સુમરાપોર, તા. 11 : સરહદી પચ્છમ વિસ્તારના ઉત્તરાદા
પટ્ટીનાં ગામડાંઓ ભરશિયાળમાં પીવાનાં પાણી વિના 20 દિવસથી તરસી રહ્યા છે. ઉનાળામાં તો પાણીની જરૂરિયાતની માત્રા
વધુ હોવાના કારણે તીવ્ર તંગી સર્જાય છે. પરંતુ શિયાળામાં ઠંડીના ઠારમાં પચ્છમનાં ગામડાંઓમાં
પાણીની તંગી ઊભી થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પેયજળની ગંભીર બીમારી હવે પચ્છમવાસીઓને
કાયમી સતાવી રહી છે. હવે પચ્છમવાસીઓને પીવાનાં પાણી પણ ખરીદવાની નોબત આવતાં લોકો લાચારી
અનુભવી રહ્યા છે. લોકો 5000 લિ.ની ક્ષમતાના 800થી 1000 રૂપિયા ખર્ચીને પાણીની જરૂરિયાતની
માત્રા પૂરી કરી રહ્યા છે, પરંતુ જે ગરીબ
પરિવારના લોકો પાણી ખરીદવાની ક્ષમતા નથી તેવા અનેક પરિવારો વરસાદમાં સંગ્રહ થયેલું
તળાવોનું દૂષિત પાણી નાછૂટકે પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આવા દૂષિત તળાવોના પાલર
પાણી પીવાથી અનેક બીમારીઓએ પણ ભરડો લીધો છે. સુમરાપોર, દુનારાવાંઢ,
ધ્રોબાણા, કોટડા, મોટા,
હુશેનીવાંઢ, નાના મોટા દિનારાના પંચાયતનાં ગામો
વગેરેમાં પાણીની રાવ ચારેકોર બુલંદ બની છે. ધુનારાવાંઢના મોડજી જામોતરએ જણાવ્યું કે
અમને પાણી તો નસીબમાં લખાયેલું જ નથી. વર્ષોથી પાણીની પીડા ભોગવી રહ્યા છીએ જે કમનસીબી
છે. હવે જે તળાવોમાં પશુધન અને જંગલી જાનવરો અને પાણીમાં મચ્છરોના ઈંડાં-પોરાઓ,
જીવાત વગેરે દેખાય છે, પણ નાછૂટકે લોકો પીવા માટે
આ પાણી લઈ રહ્યા છે. પીવા માટે પાણી ખરીદવું એ પચ્છમ માટે ઈતિહાસ બની ગયો છે. આવી પરિસ્થિતિ
કયારે જોઈ નથી ? કે હવે દર વર્ષે બધી જ સિઝનમાં પાણી માટે તડપવું
પડે અને પાણીની તંગી હવે ખૂબ જ ગંભીર બની ગઈ છે. પશુધન માટે તો તળાવોમાં હવે શિયાળાના
ત્રણેક મહિનાં પાણી ટકે એટલું પાણી પડયું છે. પાણી પુરવઠા બોર્ડ પાણી આપવા નિષ્ફળ નિવળ્યું
છે અને રજૂઆતો કાને સંભળાતી નથી. પાણી પુરવઠાની નલ સે જલ યોજના સામે ગંભીર સવાલો ઊભા
થયા છે. હવે આ પાણીની તંગીની પીડામાં માનસિક રોગની જેમ પચ્છમવાસીઓ પીડાઈ રહ્યા છે. તંત્ર જો પચ્છમમાં પાણી માટે કોઈ નક્કર આયોજન ઘડી
નહીં કાઢે તો આવનારા દિવસ ખૂબ જ ગંભીર જશે એમાં બે મત નથી.