• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

રખડતા ઢોર સામે ગાંધીધામ મનપાની લાલઆંખ

ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ-આદિપુર જોડિયાં શહેરો અને સંકુલમાં રખડતા ઢોરની ગંભીર સમસ્યા છે. આખલાઓની લડાઈમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જિંદગી ગુમાવી છે અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. મહાનગરપાલિકા બન્યા પછી લાંબા સમય સુધી તંત્રએ ઢોર પકડવા બાબતે માત્ર વિચાર કર્યા હતા. કમિશનરની સૂચના પછી બે મહિના દરમિયાન રોડ ઉપરથી 4000થી વધુ ઘાસના પૂળા જપ્ત કરવામાં આવ્યા છે. જોડિયાં શહેરોના અલગ અલગ વિસ્તારોમાંથી પકડેલા આખલાઓને અલગ અલગ ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. સૂત્રોનું માનીયે, તો અત્યાર સુધીમાં જીવદયા રાપર, મીઠીરોહર, ગળપાદર, ખેડોઈ, કામધેનુ, ચાંદ્રાણી, વીરા, સાપેડા, તુણા, માથક, સંઘડ, રામપર તુણા અને વીડી સહિતની 13થી વધુ ગૌશાળામાં 469 આખલાને મોકલવામાં આવ્યા છે. જોડિયાં શહેરોમાંથી પકડેલા રખડતા ઢોરને રામલીલા મેદાનમાં રાખવામાં આવ્યાં હતાં અને અહીં 300થી વધુ આખલા રખાયા હતા, પરંતુ તેને ગૌશાળામાં મોકલવા જરૂરી હતા, જેનાં પગલે કમિશનર મનિષ ગુરુવાણીએ ગૌશાળાના સંચાલકો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ અલગ અલગ ગૌશાળાઓમાં આ પશુઓને મોકલવામાં આવ્યાં છે. હાલના સમયે રામલીલા મેદાનમાં 80થી વધુ આખલા છે તેને કચ્છની અલગ અલગ ગૌશાળામાં મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી     છે. જેના પગલે લગભગ અઠવાડિયા માટે ઢોર પકડવાની કામગીરી સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  જો કે, ફરિયાદ મળે એટલે તુરંત ઢોર પકડીને રામલીલા મેદાનમાં રાખવામાં આવે છે.આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે રોડની બાજુમાં ઘાસનું વેચાણ થઈ રહ્યું છેતેની ઉપર કાર્યવાહી કરવી જરૂરી છે. બે મહિના દરમિયાન મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ અલગ અલગ વિસ્તારોમાંથી 4000થી વધુ ઘાસના પૂળા જપ્ત કર્યા છે. આ કામગીરી હવે નિયમિત કરી દીધી છે.  દરરોજ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. - અલગ અલગ 60 ગૌશાળામાં પશુઓ મોકલાશે : ગાંધીધામ સંકુલમાંથી રખડતા ઢોરને પકડીને જિલ્લાની તેમજ અન્ય 60 ગૌશાળામાં મોકલવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા લિસ્ટ બનાવવામાં આવ્યું છે. થોડાક દિવસમાં સંકુલમાંથી રખડતા ઢોરને પકડવાની કામગીરી તેજ કરવામાં આવશે.  ત્યારપછી રામલીલા મેદાનમાં રાખવાના બદલે સીધા જ અલગ અલગ ગૌશાળામાં મોકલવામાં આવશે. આ સમય દરમિયાન ડીસી પાંચની પાછળના ભાગે શેડનું નિર્માણ થઈ જાય, ત્યાર પછી આ સમસ્યા ઉકેલાય તેવી સંભાવના છે. - સંકુલમાં 80થી વધુ જગ્યા ઉપર ઘાસ વેચાય છે : ગાંધીધામ આદિપુર જોડીયાં શહેરો સહિત સંકુલમાં અલગ અલગ 80થી વધુ જગ્યા ઉપર ઘાસચારાનું વેચાણ થાય છે. તત્કાલીન કમિશનર મિતેશ પંડયાએ આ બાબતે સૂચનાઓ આપી હતી તે પછી સર્વે દરમિયાન 80થી વધુ જગ્યા ઉપર ઘાચારો વેચાતો હોવાનું બહાર આવ્યું હતું. કાર્યવાહી પોલીસે કરવાની છે કમિશનરે સૂચના આપી હતી તે પછી કાર્યવાહીની વાત હતી, ત્યારબાદ અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ નથી. રખડતા ઢોરની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે રોડ ઉપર ઘાસચારો વેચાતો બંધ કરવો જરૂરી છે. 

Panchang

dd