ગાંધીધામ, તા. 11 : ગાંધીધામ મહાનગરપાલિકાની કચેરીઓ, ઝોન કચેરીઓ અને બસ ડેપો માટે દીનદયાલ
પોર્ટ ઓથોરિટી દ્વારા 16 એકર જેટલી
જમીન ફાળવાયા બાદ આજે પોર્ટ પ્રશાસન દ્વારા મહાપાલિકાને વિવિધ ત્રણ પ્રકલ્પ માટે સી.એસ.આર. તળે 15 કરોડ જેટલી માતબર રકમ અંગે
સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આજે ડી.પી.એ. ચેરમેન સુશિલકુમાર સિંઘના હસ્તે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મનિષ ગુરુવાણીને
આ જમીન ફાળવણી અને સી.એસ.આર. ફંડ મંજૂરી અંગેનો
પત્ર સુપરત કરાયો હતો. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા
પ્રમાણે કમિશનર દ્વારા જુદા-જુદા પ્રોજેક્ટના હેતુ માટે સી.એસ.આર. ફંડની ફાળવણી કરવા
દરખાસ્ત કરવામાં આવી હતી. ડી.પી.એ. ચેરમેન દ્વારા મહાપાલિકાની આ દરખાસ્તને મંજૂરી આપવામાં
આવી હતી.કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લ્ભભાઈની
પ્રતિમાથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધીના રોડને રિડેવલપ કરી ફૂટપાથ, સ્ટ્રોમવોટર ડ્રેન, લાઈટિંગ માટે 8.60 કરોડની કામગીરી
હાથ ધરવા ટેન્ડર જારી કરાયું હતું. આ માટે
દીનદયાલ પોર્ટ દ્વારા આ રસ્તાના વ્યાપક નવીનીકરણ, સુંદરતા માટે વધારાની અંદાજે નવ કરોડની રકમની
સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત
લીલાશા સર્કલનું નવીનીકરણ, સુંદરતા અને પુન: વિકાસ કરવા અને સર્કલના
બગીચામાં હાઈડ્રોજન પાર્ક બનાવવા માટે રૂા.
બે કરોડ અને ગાંધીધામના ઝંડાચોક અને આદિપુરના
મદનસિંહ સર્કલના નવીનીકરણ માટે ત્રણ કરોડની
કરમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. મહાનગરપાલિકાને મુખ્ય હેતુ માટે જમીનની
ફાળવણી અને પ્રકલ્પના કામો માટે સી.એસ.આર.
ફંડમાથી રકમને મંજૂરી આપી અધ્યક્ષ દ્વારા ગાંધીધામ મહાપાલિકાના સર્વાંગી વિકાસ અને
લોકોની સુખાકારી માટે પહેલ કરાઈ છે. આ વેળાએ ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈ હાજર રહ્યા
હતા.