નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : ખરકી
કલાની ખાણ ગણાતાં પાવરપટ્ટીના ઝુરા ગામના કસબી જાનમામદ લુહારને ભારત પરિવર્તન
નિર્માણમાં કલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કારીગર ક્લિનીક સંસ્થા દ્વારા
ચેન્જમેકર ઓફ ભારત'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સદીઓથી પશુપાલનના વ્યવસાય સાથે
સંકળાયેલી ખરકી કલા હવે વિદેશોમાં પણ પગરણ કરી `કોપરબેલ' તરીકે જાણીતી બની છે.
પશુપાલનના વ્યવસાયમાં આ કસબનું ચલણ ધીરે-ધીરે ઘટયા પછી મુખ્યત્વે આ કળા સાથે
સંકળાયેલી મુસ્લિમ-લુહાર જ્ઞાતિના લોકો લોખંડમાંથી વિવિધ ઓજારો અને હથિયારો બનાવવા
મજબૂર બન્યા છે. રાજાશાહી વખતથી ખરકી કલા માટે કેન્દ્ર સ્થાને રહેલાં ઝુરા ગામે
અનેક પરિવારો આ કસબ સાથે સંકળાયેલા છે. ખરકીની ઘટતી માંગ વચ્ચે પરિવારો પૈકીના
જાનમામદ સાલેમામદ લુહારે પોતાના કસબમાં સમય અને સંજોગો મુજબ ભારે પરિવર્તન આણી
કળાની આબેહૂબ કૃતિઓ તૈયાર કરી છે. જેને ધીરે-ધીરે પ્રતિસાદ સાંપડયા પછી ખાસ કરીને
વિદેશી પર્યટકો માટે આ કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. કચ્છ-ગુજરાત ઉપરાંત દેશના
વિવિધ પ્રાંતોમાં યોજાતા કલા ઉત્સવોમાં આ યુવા કસબીએ પોતાની પરંપરાગત કળાનું
વિસ્તરણ કરી વધુમાં વધુ કલા પારખુઓ સુધી પહોંચાડી છે. કારીગરની ખરકીએ અમેરિકામાં
પણ ભારે આકર્ષણ ઊભું કરતાં અનેક વખત ધનાઢય ગણાતા દેશમાં ખરકીઓનું પ્રદર્શન સાથે
નિદર્શન કરી આવ્યા છે. કારીગરની કલાક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને લઈ સ્ટેટ એવોર્ડના
સન્માન સહિત અનેક સન્માન મળી ચૂક્યાં છે. ગુજરાતની કલાક્ષેત્રે જાણીતી સંસ્થા
કારીગર ક્લિનીક અને ડો. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા આ કારીગરની પ્રશંસનીય નોંધ
લઈ તેમનું `ચેન્જમેકર ઓફ ભારત'
એવોર્ડ દ્વારા સન્માન કરાયું છે. અમદાવાદનાં ચાંદખેડા સ્થિત ગુજરાત
ટેક્નોલોજી યુનિવર્સિટીમાં યોજાયેલ ભવ્ય એવોર્ડ અર્પણ સમારોહમાં સંસ્થાઓના અગ્રણી
પ્રતુલ શ્રોફ, ડો. નીલેશ પ્રિયદર્શી અને નૂપુર કુમારીના
હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.