ગાંધીધામ, તા. 10 : ગાંધીધામ
મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર બોરીચીની 12થી વધુ સોસાયટી ગંભીર અને ભયંકર
ગટર સમસ્યાનો સામનો કરી રહી છે. લોકો પીડિત છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેના પગલે આ સોસાયટીઓની એક બેઠક મળી હતી અને સમસ્યાના નિરાકરણ બાબતે
ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન મેઘપર સોસાયટી સદસ્ય સમિતિના સભ્ય
યોગેન્દ્રાસિંહ જાડેજા અને બારોટ પલરાજભાઈએ રવેચીનગર, નવકારનગર
થઈને દુર્ગમ રાસ્તે સાત કિલોમીટર પગપાળા ચાલીને સર્વે કર્યો હતો, જેમાં હાઇવેની બે સોસાયટીનું ગટરનું પાણી કેનાલ નીચે બનાવેલાં નાળાંમાં
થઈને આ સોસાયટીઓમાં ભરાય છે અને અહીં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, વરસાદ અને ગટરનું પાણી ત્યાં જમા થાય છે અને લોકોને ભયંકર સમસ્યાનો સામનો
કરવો પડી રહ્યો છે. દૂષિત પાણી ભરાઈ રહેતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર
ખતરો ઊભો થયો છે. આ પાણી ફાટક નજીક પુષ્પ કોટેજ અને આશાપુરા સોસાયટી સુધી જાહેર
રસ્તાઓ પર વહે છે. રાહદારીઓ અને બાળકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મેઘપર બોરીચીની આ ગંભીર સમસ્યાથી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર અને કમિશનર અવગત છે.
મનીષ ગુરુવાણીએ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી,
પરંતુ તત્કાલીન સ્થિતિ થાળે પડે તેવા અણસાર દેખાતા નથી. એજન્સીનો
સર્વે ચાલુ છે. આગામી સમયમાં ગટરલાઈન નાખીને પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરવા માટે વહીવટી તંત્રનો પ્રયાસ
છે, પરંતુ હાલના સમયે લોકો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા
છે અને જે સોસાયટી વિસ્તારોની બેઠક મળી હતી અને તેમાં આ સમસ્યાના ઉકેલ માટે શું
કરી શકાય છે, તે તમામ પાસાઓ ઉપર ચર્ચાઓ થઈ હતી. આ વિસ્તારના
લોકો ટૂંક સમયમાં મહાનગરપાલિકાના કમિશનરને મળીને લેખિતમાં રજૂઆત પણ કરવાના છે. આસપાસના
વિસ્તારની સ્થિતિ ઘણી ગંભીર છે. ઠેર-ઠેર ગટરના દૂષિત પાણીનાં તળાવ ભરાયાં છે.
લોકોનાં ઘરની આગળ અને પાછળ બંને બાજુ દૂષિત પાણી ભરાયેલું છે. લાંબા સમયથી લોકો
હેરાન થાય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે. જો કે, વહીવટી
તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ સમસ્યાનું સમાધાન
મળ્યું નથી. ગટરનું પાણી લઈ જતી કંપની પણ લાઈન નાખવાની કામગીરી કરે છે, તેનું કામ પૂર્ણ થયા પછી મેઘપર બોરીચી વિસ્તારનું પાણી તેમાં જોડી શકાય
તેવી સ્થિતિ છે, તેના માટે પણ પાલિકાએ અલગથી લાઈન નાખવી પડશે,
તે સહિતના અનેક પ્રશ્નો છે, જેનું નિરાકરણ થોડા
સમયમાં આવે તે જરૂરી છે.