ભુજ, તા. 10 : શિક્ષાપત્રી
દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે `મારી વાણી મારું સ્વરૂપ' વિષય પર યુવાવર્ગની
જીવનશૈલીમાં લોક પ્રત્યે વ્યવહારની સમજ સાથે ધર્મ, ભક્તિ,
રાષ્ટ્રપ્રેમ, સેવા, સત્સંગ,
સમર્પણના ભાવ સાથે સંકલ્પ સાથે ચાર દિવસની શિબિર યોજાઇ હતી. ભુજ
કન્યા વિદ્યાલય ખાતે ભુજ મંદિરના મહંત સ્વામી સદ્ગુરુ ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી સદ્ગુરુ ભગવદ્જીવનદાસજી, પાર્ષદ
કોઠારી જાદવજી ભગત અને વરિષ્ઠ સંતોની પ્રેરણાથી યોજાયેલી આ શિબિર પ્રસંગે સંત
કપિલમુનિદાસજીએ જણાવ્યું હતું કે, શિબિર એટલે બધાનાં મનમાં
પ્રશ્ન હોય, શિબિરમાં શું કરતા હશે ? કેવી
વાતો કરતા હશે ? તેમણે ઉમેર્યું કે, યુવાપેઢીને અત્યારના સમયમાં કઇ રીતે જીવવું એ એક અઘરો
પ્રશ્ન છે. મા-બાપ બન્યા બાદ સંતાનોને કેવી રીતે હેન્ડલ કરવા વિ. વર્તમાન સમયને
મૂંઝવતા પ્રશ્નો છે. યુવાપેઢી સુચારુ રીતે
સારી દિશામાં આગળ વધી શકે. આધ્યાત્મિકતા સાથે ઘર વ્યવહાર પણ વ્યવસ્થિત ચલાવી શકે
વિ. નૈતિકતાનાં મૂલ્યો શિબિરનાં માધ્યમથી શીખવાડવામાં આવી રહ્યા છે. આ શિબિરમાં 100 સંત, 150થી વધુ સાંખ્યયોગી બહેનનાં
સાંનિધ્યમાં 3000 યુવક-યુવતીએ ભાગ લીધો હતો. નવ જેટલા
શાત્રી સ્વામી વ્યાસપીઠ પર બિરાજમાન થયા હતા. સ્વામી પરમહંસદાસજી, સ્વામી મુકતવલ્લભદાસજી,
સ્વામી ગોલોકવિહારીદાસજી, સ્વામી
હરિસ્વરૂપદાસજી વિ. સંતોએ શિબિરાર્થીઓને
જ્ઞાન આપ્યું હતું. આ દરમ્યાન ભુજ મંદિર દ્વારા શિબિરનાં માધ્યમથી 1000 બોટલ
બ્લડ એકત્રિત કરી જુદી જુદી બ્લડ બેંકોને અપાયું હતું. આવનારા સમયમાં આ કાર્યને
અવિરતપણે ચાલુ રાખવાના સ્વામીના સંકલ્પને શિબિરમાં જોડાયેલા યુવક-યુવતીઓએ વધાવ્યો
હતો. દર બે માસે રક્તની જરૂરિયાત પ્રમાણે કેમ્પનું આયોજન કરવા નિર્ણય લેવાશે. આ
માટે સેવા ટીમ નિયુક્ત કરાઇ હોવાનું જણાવ્યું હતું. તેમાં કપિલમુનિદાસજી, જગદીશ હાલાઇ, ડો. સુરેશ હિરાણી, ડો. હરીશ વાસાની, હરીશભાઇ પાધરા કાર્યરત રહેશે. ભુજ મંદિરના કોઠારી દેવપ્રકાશદાસજી, ભોજનકક્ષના
સંત કોઠારી પુરુષોતમસ્વરૂપદાસજી, નરનારાયણ દેવ યુવક યુવતી,
મહિલા મંડળે જહેમત ઊઠાવી હતી. સંચાલન કપિલમુનિદાસજીએ કર્યું હતું.