• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગાંધીધામના સાઉથમાં 50 લાખના ખર્ચે બનેલો પાર્કિંગ પ્લોટ ખુલ્લો મુકાયો

ગાંધીધામ, તા. 4 :  ગાંધીધામના સાઉથ વિસ્તારમાં ટેક્સી સ્ટેન્ડની સામેની બાજુ મોટાપાયે થયેલાં અતિક્રમણ દૂર કરીને અહીં રૂપિયા 50 લાખના ખર્ચે પેવરબ્લોક નાખીને પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યો છે, જેને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવેથી અહીં વેપારીઓ તથા ખરીદી કરવા આવતા લોકો પોતાનાં વાહનો પાર્ક કરી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરી દેવામાં આવી છે. હજુ પણ ટેક્સી સ્ટેન્ડની બાજુના માર્ગ ઉપર પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યાં છે અને ત્યાં પણ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા ઊભી કરાશે. મુખ્ય બજારની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે આ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. મંગળવારે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજે પાર્કિંગ પ્લોટને ખુલ્લો મુક્યો હતો. આ તકે પૂર્વ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ, ડો. નાયક, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમાર, શ્રવણ ગર્ગ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ગુરુવાણીએ પેવરબ્લોકથી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની કામગીરીને લઈને એન્જિનીયારિંગ વિભાગમાં અર્ણવ બૂચ, સત્યપાલાસિંહ ઝાલા સહિતના એન્જિનીયરોની સરાહના કરી હતી, પરંતુ હવે સાઉથથી લઈને ગાંધી માર્કેટ સુધી જે બંને બાજુના માર્ગો છે. તેનાં પણ દબાણો દૂર થયાં છે. હા, ઘણા દબાણો યથાવત્ છે, તેની ઉપર કાર્યવાહી જરૂરી છે. ત્યારબાદ અહીં પણ પેવરબ્લોક નાખીને પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે. 

Panchang

dd