ભુજ, તા. 4 : ભુજના ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલા અને નવી શાકમાર્કેટમાં
બકાલું વેચતા મહેન્દ્રભાઈ મણિલાલ જોશી (રાજગોર)ના પુત્ર પાવન જોશીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
(સી.એ.)ની કઠિન પરીક્ષા પાસ કરીને અન્ય માટે પ્રેરણાદાયક દાખલો બેસાડયો છે. ઘણી વખત
માવતર પરિસ્થિતિના કારણે ઈચ્છા હોવા છતાં અભ્યાસથી વંચિત રહેલા હોય છે. પોતે ન ભણ્યા
હોય પરંતુ પોતાનાં બાળકોને સખત મહેનત કરીને ભણાવતા હોય છે. ભુજના મહેન્દ્રભાઈ આર્થિક
પરિસ્થિતિ નબળી હોતાં નાનપણથી જ કામે લાગી ગયા હતા,
પણ પુત્રને ભણાવ્યો. પાવને સફળતાનું શ્રેય માતા-પિતા અને સીએ પત્ની દિશાને
આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાવનના અભ્યાસકાળ દરમ્યાન
જ તેનાં લગ્ન સમાજના અગ્રણી પ્રકાશ વીરજી પેથાણી (એકાઉન્ટન્ટ)ની દીકરી સી.એ. દિશા સાથે
થયા છે. જોશી પરિવારમાં બે સી.એ. ડિગ્રીધારક થતાં ખુશી બેવડાઈ હોવાનું જણાવ્યું હતું.
સી.એ. પાવનને સિદ્ધિ બદલ જે.પી. ગોર, એ.સી. ગોર (રાજગોર મહાસભા),
સમાજ અગ્રણી પ્રકાશ વીરજી પેથાણી, વિજય ગોર (ભુજ
રાજગોર સમાજ), અંબાલાલ મોતા (શૌ.પ્ર. મંડળ), કપિલ બાવા, જયાબેન ગોર (રા.રા. મંડળ) સહિતનાએ શુભેચ્છા
પાઠવી હતી.