મુંદરા, તા. 3 : અદાણી સોલારે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં 15,000 મેગાવોટથી વધુ સૌર પેનલ (મોડયુલ)નું શિપીંગ કરીને એક મોટું સીમાચિહ્ન પાર કર્યું છે. આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ અને સૌથી ઝડપી ભારતીય કંપની બની છે. મુંદરા સ્થિત અદાણી સોલાર આગામી નાણાકીય વર્ષ સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા 4000 મેગાવોટથી બમણી કરીને 10,000 મેગાવોટ કરવાની યોજના ધરાવે છે અને આગામી વર્ષોમાં વધુ 15,000 મેગાવોટ પેનલ મોકલવાનું લક્ષ્ય રાખે છે. રિસર્ચ ફર્મ વૂડ મેકેન્ઝી દ્વારા વિશ્વના ટોચના 10 સોલાર મોડયુલ ઉત્પાદકોમાં આ કંપની એકમાત્ર ભારતીય ઉત્પાદક છે જેનું નામ છે. અદાણી સોલારે કુલ શિપમેન્ટમાંથી 10,000 મેગાવોટ ભારતમાં પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને 5000 મેગાવોટ વિદેશમાં નિકાસ કરવામાં આવ્યા હતા. સરળ ભાષામાં કહીએ, તો લગભગ 7500 ફૂટબોલ મેદાનને આવરી લે એટલા 28 મિલિયન મોડયુલની સમકક્ષ છે. આ મોડયુલોમાંથી લગભગ 70 ટકા ઉત્પાદન અદાણીના ભારતમાં બનાવેલા સૌર સેલનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે, જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને આગળ વધારવામાં કંપનીની ભૂમિકા દર્શાવે છે.