ભુજ, તા. 3 : ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે કચ્છને
રાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર બિદડા સર્વોદય ટ્રસ્ટના સંકુલમાં કાર્યરત કે.એમ. પટેલ
આરોગ્યધામમાં પ્રભાવ હોલિસ્ટિક હેલ્થ ઈન્સ્ટિટયૂટમાં પ્રાકૃતિક ચિકિત્સાને લગતા ત્રણ
નવા ડિપ્લોમા કોર્સ શરૂ થઈ રહ્યા છે. યુવાનોને
માટે રોજગારીની મબલખ તકોનું સર્જન કરતા યોગ, નેચરોપેથી અને ન્યૂટ્રીશિયન અને ડાયટીશિયનને આવરી લેતા આ ત્રણ કચ્છ યુનિ. માન્યતાપ્રાપ્ત
કોર્સ શરૂ કરવાની પહેલ ન માત્ર ગુજરાત બલ્કે આખા દેશમાં દિશાસૂચક સાબિત થવાની છે. અલાયદું ઈન્સ્ટિટયૂટ બનાવી સ્થાનિક યુનિ. સાથે જોડાણ
કરી માન્યતાપ્રાપ્ત એવા વેલનેસ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની પહેલ ગુજરાતમાં પ્રથમવાર
થઈ છે, એવું પ્રોજેક્ટ ડાયરેક્ટર અને બિદડા સર્વોદય ટ્રસ્ટના
મેનેજિંગ ડાયેરક્ટર હેમંતકુમાર રાંભિયાએ જણાવ્યું છે. યોગ ઈન્સ્ટ્રક્ટર, નેચરોપેથી થેરાપિસ્ટ અને ન્યૂટ્રીશિયન-ડાયટના ત્રણ ડિપ્લોમા કોર્સમાં શિક્ષણ
આપવા માટે જેઓ ફેકલ્ટી તરીકે સેવા આપવાના છે તેમની સાથે વિશેષ વાતચીત કરવામાં આવી હતી.
- શરીરરચનાનું
વિજ્ઞાન પદ્ધતિસર રીતે સમજાવાશે : યોગ અને વેલનેસ ક્ષેત્રમાં ફેકલ્ટી તરીકે
સેવા આપનારા મૂળ ઉત્તરપ્રદેશના ડો. શાંતનુ મિશ્રાએ કહ્યું કે, યોગ ઈન્સ્ટ્રક્ટરના કોર્સમાં જોડાનાર છાત્રોને
શરીરરચનાના વિજ્ઞાનનું પદ્ધતિસરનું જ્ઞાન મળવાનું છે. યોગ અને એડવાન્સ યોગ ઈન્સ્ટ્રક્ટરના
કોર્સમાં આસન વિજ્ઞાન - પ્રાણાયામ, અષ્ટાંગ યોગ સહિતનું શિક્ષણ
પ્રાપ્ત થશે, જે તેમને ભવિષ્યમાં રોજગારીની વિપુલ તકો પૂરી પાડશે.
આ કોર્સને કચ્છ યુનિ.ની માન્યતા મળી જતાં તેની મહત્ત્વતા અનેકગણી વધી ગઈ છે. - થેરાપિસ્ટની
માંગ વૈશ્વિક સ્તરે વધવાની છે : નેચરોપેથીના કોર્સમાં ફેકલ્ટી તરીકે સેવા
આપનારા ડો. અભિષેક દુબેએ કહ્યું કે, નેચરોપેથી થેરાપિસ્ટની માંગ માત્ર ભારતજ નહીં હવે વૈશ્વિક સ્તરે વધવાની છે.
બિદડામાં શરૂ થનારા કોર્સમાં છાત્રોને કલરથેરાપી, સંગીતથેરાપી,
મન-કાયાની ચિકિત્સા, અરોમાથેરાપી, સુગંધથેરાપીનું શિક્ષણ મળવાનું છે. કોર્સમાં જોડાયેલ છાત્રો નેચરોપેથી થેરાપિસ્ટ
તરીકે જોડાઈ મોટું અર્થ ઉપાર્જન કરી શકે છે. એ સિવાય પણ અનેક તકો ઉપલબ્ધ રહેલી છે.
- આહાર વિજ્ઞાન
શરીરરચના માટે મહત્ત્વનું : ન્યૂટ્રીશિયન અને ડાયટના કોર્સમાં ફેકલ્ટી
તરીકે જેમની સેવા મળવાની છે એવા ડો. પ્રિયાંક માલવિયાએ કહ્યું કે, આહાર વિજ્ઞાન શરીરરચના માટે મહત્ત્વનું છે.
આગામી સમયમાં ન્યૂટ્રીશિયન-ડાયટીશિયનની માંગ વધવાની છે. જીમમાં ડાયટ કન્સ્લટિંગ,
વેઈટ લોસ કન્સલટિંગ તરીકે જોડાઈ કારકિર્દીનો પથ કંડારી શકે છે. હેલ્થી
પર્સનને પણ પોતાનું શરીર-સ્વાસ્થ્ય જાળવવા માટે મહત્ત્વનું જ્ઞાન આ કોર્સનાં માધ્યમથી
છાત્રોને મળવાનું છે, જે તેમને ભવિષ્ય માટે ઘણું ઉપયોગી સાબિત
થવાનું છે. - તંદુરસ્ત જીવનશૈલી માટેના પાઠ ભણાવાશે : બીએનવાયએસમાં એમ.ડી.ની ડિગ્રી ધરાવતાં ડો.
અલમાસ ઝમાને જણાવ્યું હતું કે, બિદડા
સર્વોદય ટ્રસ્ટમાં શરૂ થનારા ત્રણ નવા કોર્સમાં તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટેના પાઠ
ભણાવાશે. અનુભવી ફેકલ્ટી દ્વારા કોર્સમાં જોડાનારા છાત્રોને પ્રેક્ટિકલ-થિયરીકલ જ્ઞાન
સુયોગ્ય રીતે અપાશે, જે તેમને ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે,
જે અનેક લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ફાયદાકારક નીવડશે.
- શરીરને રોગમુક્ત
રાખવાનું શિક્ષણ મળશે : નેચરોપેથી નિષ્ણાત ડો. વિની ગાલાએ કહ્યું
કે, આ ત્રણ નવા કોર્સમાં જોડાનારા છાત્રોને શરીરને
રોગ મુક્ત કઈ રીતે રાખવું તેને સૂચારુ શિક્ષણ મળવાનું છે. મેદસ્વિતા, ડાયાબિટીસ જેવા રોગો થાય જ નહીં, તે માટે કયો આહાર લેવો
તેનું જ્ઞાન આ કોર્સમાં જોડાનારા છાત્રોને પ્રાથમિક તબક્કાથી મળવાનું છે. - યોગની ઝીણવટભરી
સમજ મળશે : યોગાચાર્ય મનીષ ઉપાધ્યાયે કહ્યું હતું કે, ભારતની પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં યોગનું
ભારે મહત્ત્વ છે, ત્યારે બિદડામાં શરૂ થતાં યોગ ઈન્સ્ટ્રક્ટરના
વિશેષ કોર્સમાં યોગવિદ્યા, શરીરરચનાની ઝીણવટભરી સમજ વિદ્યાથઓને
મળવાની છે, જે તેમને ભવિષ્યમાં અતિઉપયોગી સાબિત થવાની છે અને
અન્યના જીવનને સ્વસ્થ બનાવવામાં પણ મદદરૂપ બનશે. - ધ્યાન-રેકીનું
પણ જ્ઞાન મળશે : રેકી માસ્ટર, ચક્ર-મેડિટેશન પ્રાણીક હિલિંગના નિષ્ણાત ભરત
સોનીએ કહ્યું હતું કે, આ ત્રણ નવા કોર્સમાં જોડાનારા છાત્રોને
મનને એકાગ્ર કરવા તથા માનસિક આરોગ્ય સુધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ધ્યાન-રેકીનું
જ્ઞાન મળવાનું છે. બિદડા ટ્રસ્ટમાં આ તમામ સારવાર આપવામાં આવી રહી છે, ત્યારે થિયરીકલ જ્ઞાન પણ પ્રાપ્ત થવાનું છે. - છાત્રો માટે
તમામ સુવિધા ઉપલબ્ધ : રતનવીર નેચર
ક્યોર અને તારામતી વેલનેસ સેન્ટરના એચઓડી ડો. રાઘવ મિશ્રાએ કહ્યું હતું કે, કે.એમ. પટેલ આરોગ્યધામમાં કાર્યરત આ બંને સંકુલ
નવા પ્રવેશ મેળવનારા છાત્રો માટે અનેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવા પૂર્ણ રીતે સજ્જ
છે. પ્રભાવ ઈન્સ્ટિટયૂટની સાથે આ બંને સંકુલમાં પદ્ધતિસરનું પ્રેક્ટિકલ તેમજ થિયરીકલ
શિક્ષણ આપવાની સુદૃઢ અને વ્યવસ્થા ગોઠવાયેલી છે. - નવીનતમ કોર્સમાં
પ્રવેશ માટે સંપર્ક નંબર : પ્રાકૃતિક
ચિકિત્સા પદ્ધતિને વેગ આપવા નવીનતમ પ્રકારના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે 90169 97111 નંબર પર સંપર્ક સાધવા ઈન્સ્ટિટયૂટના
સંચાલકો દ્વારા જણાવાયું છે.