ભુજ, તા. 3 : અરબી સમુદ્રમાં સર્જાયેલું
ડિપ્રેશન નબળું પડીને સાયકલોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું હોવા છતાં માવઠાંની મોકાણ
યથાવત્ રહી છે. કારતકમાં અષાઢી માહોલ સર્જાયો હોય તેમ અંજારમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ
પડતાં ચોમાસામાં પુનરાગમન કર્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. વાગડ, અબડાસા, નખત્રાણા તેમજ
ભુજના સરહદી ગામોમાં માવઠું વરસતાં ખેતી પાકોને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે
હજુ એક દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી જારી રાખી છે. બે દિવસ બાદ લઘુતમ પારો ગગડવાની
પણ સંભાવના વ્યકત કરાઈ છે. અંજાર : હવામાન ખાતા દ્વારા વરસાદની શક્યતા અને સવારથી અસહ્ય
બફારા વચ્ચે આજે બપોર દરમ્યાન કમોસમી વરસાદી ધબધબાટી બોલાવી હતી, બપોરના 12 કલાકની આસપાસ
વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને જોતજોતામાં મેઘરાજાએ ધમાકેદાર બાટિંગ શરૂ કરી હતી.
અનરાધાર 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં વાતાવરણમાં શીતલહેર
વ્યાપી ગઈ હતી અને લોકોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી હતી. આ ભારે વરસાદનાં કારણે શહેરના
અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી. શહેરની મુખ્ય બજારો, ખત્રી ચોક સહિત અનેક રસ્તાઓ પર પાણીના ધોધ વહી
નીકળ્યા હતા. ટૂંક સમય માટે ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ ગટરો ઉભરાઈ હતી અને રસ્તાઓ
પર પાણી વહી નીકળ્યાં હતાં. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પણ પાણી
ભરાયાં હતાં, જેના કારણે સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો
પડ્યો હતો. ખાસ કરીને, એ.પી.એમ.સી. સંચાલિત જથ્થાબંધ શાકભાજી
માર્કેટમાં પાણી ભરાઈ જતાં વેપારીઓ, ખેડૂતો અને ખરીદી કરવા આવેલા
લોકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. આજના 3 ઇંચ વરસાદ સાથે, અંજાર શહેરમાં સિઝનનો કુલ વરસાદ 32 ઇંચ નોંધાયો છે. ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી ખેતીને મોટું નુકસાન
થયું છે. - વાગડમાં આભેથી આફત : વાગડમાં હેતનો અતિરેક કરાવી સામટા વીસ ઈંચ
વરસી ગયેલા વરસાદથી થયેલા નુકસાનની ખેડૂતોને હજી કળ વળી નથી ત્યાં વળી કમોસમી વરસાદથી
આભેથી આફત વરસી રહી છે. રાત્રે બાર વાગ્યા પછી ગાજવીજ સાથે વરસ્યો હતો તો આજે બપોરે
બે વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આડેસર, ગાગોદર સહિતનાં અનેક ગામોમાં જાણે ચોમાસું પાછું આવ્યું હોય તેમ ધોધમાર - અંજારમાં ધોધમાર ત્રણ ઈંચ : વરસાદ વરસતાં
વેપારીઓ અને ખેડૂતો ચિંતિત બન્યા હતા. અત્યારે રવી સીઝન શરૂ થઈ ગઈ હોવાથી જેણે આગોતરું
વાવેતર કર્યું છે તે અને હવે વાવણી કરવાની છે તે બંને બાજુ નુકસાન થઈ રહ્યું હોવાનું
ખેડૂતો જણાવી રહ્યા છે. ક્યાંક કપાસનો પાક ઊભો હતો ને ફૂલ (કાલા)પણ આવી ગયા હતા તે
ઊભા પાકનો સોથ વળી ગયો છે, તો મગફળીને
પણ મોટાપાયે નુકસાન થયું છે. કચ્છના પ્રવેશદ્વાર એવા સૂરજબારી પુલમાં ગત રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાવડા સહિતના સરહદી વિસ્તારમાં
પણ માવઠું વરસ્યું હતું. માંડમાંડ વરસાદી પાણી સુકાયા હતાં અને દિવાળી બાદ પુન: કામો
શરૂ થશે એવી આશા બંધાઈ હતી પરંતુ આજે બપોરે ફરી માવઠાંનું વરસાદ થતાં રણમાં પાણી ભરાયાં
હતાં અને કામો ફરી વહેલા ચાલુ થશે એના પર ગ્રહણ લાગ્યું છે. પચ્છમના ઉત્તરાદા પટ્ટામાં
છાંટા પડયા હતા. - નેત્રામાં
પોણો ઈંચ : પાછલા પાંચેક દિવસથી નખત્રાણા તાલુકાના
નેત્રા વિસ્તારમાં વાદળિયો માહોલ છવાયો હતો. માવઠાંની આગાહી વચ્ચે સામાન્ય છાંટા પડ્યા
હતા અને આળંગ સાથે અસહ્ય ગરમી થતાં ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો હતો. આજે વહેલી સવારે
સાડા સાતે અચાનક મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
નેત્રા, રસલિયા, ખોંભડી,
લક્ષ્મીપર, રામપર અને ખીરસરામાં આજે સવારે સાડા
સાતથી સાડા આઠ વાગ્યા સુધીમાં અડધોથી પોણો ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો એવું
વિજયભાઈ સીજુએ જણાવ્યું હતું. રસ્તા પરથી રીતસરના ચોમાસા જેવાં પાણી વહેતાં કારતકે
અષાઢી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે પાક નુકસાન થયું
છે. અચાનક વરસાદ શરૂ થતાં બચેલો પાક પણ નાશ પામવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. અગાઉ નવરાત્રિ દરમિયાન વરસેલા કમોસમી વરસાદના કારણે
મોટાભાગની લણણી કરેલી મગફળીની જણસ પહેલેથી જ સડી ગઈ છે અને હવે ફરીથી વરસાદ આવતાં નુકસાનની
માત્રા વધશે. અબડાસાના પંથકમા ગત મોડી રાત્રે લગભગ 12 વાગ્યે હવામાનમાં ઓચિંતો પલટો
આવતાં વાયોર, પદ્ધરવાડી, ઉકીર, વાગોઠ, ભોવા, સાંરગવાડા, ફુલાય, વાગાપદ્ધર,
વલસરા, ઐડા, ગોયલા,
મોખરા, લૈયારી, સુખપર,
વડસર, છસરા, કોષા, કેરવાંઢ,
મોહાડી, ભારાવાંઢ, ચરોપડી,
મોટી-નાની મધરાવાંઢ, કરમટા, થુમડી, અકરી મોટી, વાલાવારીવાંઢ,
નવાવાસ, રોહારો, હોથિયાય,
ગોલાય, બેરમોટી-નાની, ભગોડીવાંઢ
જેવા ગામોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી ગયો છે. ગરડા પથકમાં
હજારો ટન મગફળીનું વાવેતર થયું છે ત્યારે માવઠાંની માઠી અસરથી જગતના તાત પર જાણે આભ
ફાટયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.