ભુજ, તા. 13 : આગામી
દીપોત્સવી તહેવારોને અનુલક્ષીને વિવિધ સંસ્થા દ્વારા દીપોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 17મીએ
માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક,
18મીએ
ભુજના સ્મૃતિવન અને 19મીએ અંજારના વીર બાળ સ્મારક ખાતે
આયોજન કરયું છે. આ સાથે મારું ઘર સ્વદેશી ઘરના સ્લોગન સાથે આત્મનિર્ભર ભારત માટે
પણ લોકોને પ્રેરવામાં આવશે. દીપોત્સવીની તૈયારીનાં આયોજન માટે યોજાયેલી પત્રકાર
પરિષદમાં દિલીપભાઈ દેશમુખે વિગતો આપતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષથી
યોજાતા આ દીપોત્સવને કચ્છના લોકોએ વધાવ્યો છે અને આ વર્ષે પણ વધુમાં વધુ લોકો
જોડાય એ પ્રકારનું આયોજન કરવામાં આવશે. દીપોત્સવ એ ભુજના નાગરિકો માટે છે અને
ભુજના લોકો દ્વારા થતું આયોજન છે એટલે તેમણે વધુમાં વધુ લોકો આ દીપોત્સવમાં જોડાય
તેવું આહ્વાહન કર્યું હતું. આ અગાઉ રાહુલભાઈ ગોર, ડો.
મુકેશભાઈ ચંદે, પારુલબેન કારા, નવઘણભાઈ
આહીરે કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં વધુ લોકો આ દીપોત્સવમાં
જોડાય એ માટે સૌને પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું. લગભગ 25 જેટલી
સંસ્થા સાથે મળી દીપોત્સવને ભવ્ય બનાવવા આહ્વાન કર્યું હતું. સમય સાંજે 6.30થી 7 સુધી
દીવડા પ્રગટાવામાં આવે છે. ત્યારબાદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંચાલન
તાપસભાઈ શાહ અને આભારવિધિ સંદીપભાઈ આહીરે કરી હોવાનું ચેતન કતિરાની યાદીમાં
જણાવાયું હતું.