• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

નખત્રાણામાં અધૂરાં વિકાસકામો પૂર્ણ કરવા માંગ

નખત્રાણા, તા. 13 : તાલુકાને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પ્રયાસોથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તેમજ અનેકવિધ વિકાસકામો પણ મંજૂર કરાયાં છે તે પૈકીના અધૂરાં પડેલાં કામોને કારણે ગામલોકોને પડતી મુશ્કેલીના નિવારણ તેમજ અધૂરાં કામો સત્વરે પૂર્ણ કરવા માંગ કરાઇ હતી. પશ્ચિમ કચ્છના સૌથી વધુ વિસ્તાર ધરાવતા ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસશીલ તાલુકા મથક નખત્રાણામાં અબડાસા-લખપત, હાજીપીરના ઉદ્યોગ એકમોમાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ, મજૂરવર્ગ બહોળી સંખ્યામાં છે. આ ગામને નગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ નગરપાલિકામાં સમાવિષ્ટ ગામોના સીમાંકન પ્રમાણે વોર્ડ વાર સંકલનનો અભાવ છે. ચૂંટણી વહીવટી પ્રક્રિયાની ઘોચમાં ત્રણ વર્ષથી ઉપરના સમયથી ચીફ ઓફિસર અને વહીવટદારના સંચાલન દ્વારા ચાલતી નગરપાલિકાને વિકાસકામો કરવાના છે. ધારાસભ્ય શ્રી જાડેજાના પ્રયત્નોથી કેન્દ્ર, રાજ્ય તથા જિલ્લા પંચાયત આયોજન દ્વારા અનેકવિધ વિકાસકામો મંજૂર કરાયાં છે, જે પૈકી સંપન્ન થયેલા પુલ, પાણી પુરવઠાના બોર અને બે-ત્રણ રસ્તાકામો સિવાયના વિકાસકામો જેવા કે હિન્દુ સ્મશાનગૃહ, લાયબ્રેરી, વરસાદી પાણીના વહેણ પર નાળાં પેચિંગ, પુલના શરૂ થયેલાં કામો આઠ-દસ માસ સુધી પૂર્ણ ન થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાનું જણાવાયું હતું. આ અંગે ધારાસભ્ય, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મંડળ, કેબિન-રેંકડી મંડળ, નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વિ. વિવિધ સંગઠનોના અગ્રણીઓ દ્વારા નગરપાલિકા સમક્ષ અનેક વખત રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. નખત્રાણા વથાણચોકથી મણિનગર સુધીનો અંદાજિત 500 મીટર માર્ગ, ચોમાસામાં વરસાદી પાણીના વહેણ પર બંધ- નાળાં બનાવવાનું કામ ચાર મહિના પહેલાં શરૂ કરાયું પરંતુ હજુ સુધી પૂર્ણ થયું નથી, જેના પગલે પાવરપટ્ટીના ગામો, ઈંગ્લિશ સ્કૂલ, મણિનગર સહિતના વિસ્તારને જોડતા માર્ગમાં વાહનવ્યવહાર માટે મુશ્કેલી સર્જાઇ હોવાનું જણાવાયું હતું. દિવાળીના તહેવારમાં આ સમસ્યા વધુ મુશ્કેલી સર્જી રહી હોવાનું ઉમેર્યું હતું.

Panchang

dd