માનકૂવા (તા. ભુજ), તા. 13 : ઠંડી-ગરમીના
સંક્રમણ કાળમાં જંગલી જાનવરો આપ-ગો-મગર ખુલ્લામાં વિચરતા લોકોના ઘર-કારખાનામાં
ઘૂસી જતા હોય છે. જેને રેસ્કયુ કરવાની અનોખી રીત માનકૂવાના વતની રજાક સનાએ વિકસાવી
છે. સ્નેક રેસ્યુની માન્ય આઇ.ડી. ધરાવનાર રજાક જાકબ સનાએ જણાવ્યું કે, તેમણે છેલ્લા પાંચ
વર્ષમાં 1200થી વધુ સાપ, છ મગરને પોતાની આગવી
રીતથી પકડીને સુરક્ષિત જગ્યાએ જંગલ, તળાવ, રખાલમાં છોડવાની કામગીરી કરેલી છે. તાજેતરમાં સામત્રા ગામમાંથી રાત્રે 10 વાગ્યે
ફોન આવેલ અને 7.5 ફૂટ લાંબો મગર પકડીને ચાડવા રખાલના
પ્રાગસર તળાવમાં છોડી આવ્યા હતા. 70-80 કિલોના મહાકાય મગરને પકડવામાં
તૌફિક સમેજા, અબીબ તુર્ક, અર્જુનસિહ, ધમાભા
જાડેજા, વિક્રમસિંહ મદદમાં આવ્યા હતા. રજાકભાઇએ વધુમાં
જણાવ્યું કે, કચ્છમાં સાપની 26 પ્રજાતિ
વિચરે છે જેમાંથી 3 પ્રજાપતિ કોબ્રા,
કળોત્રો, લુંડી (સોસીકે વાઇપર) ઝેરીલા સાપો
છે. કુંભારીયે સાપ જેને `રોયલ બ્લેક હેડ' કહેવામાં આવે છે તે
બિનઝેરી સાપ છે, વાડી-ખેતરમાં આ સાપ પાકને નુકસાન કરતાં
ઉંદરોનો ખોરાક મેળવી ખેડૂત મિત્ર તરીકેનું કાર્ય કરે છે. માંડવી, મુંદરા, ભુજ, નખત્રાણાના
વિસ્તારોનાં નિડર ઉત્સાહી યુવાનોને આ કાર્ય પધ્ધતિથી જોડાઇ લોકોની જાન બચાવવા
પ્રોત્સાહન અપાય છે. રજાકભાઇનો સંપર્ક મો. 16627 5079 થઇ શકે છે.