• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

રાપર ડેપોને ચાર નવી બસ ફાળવાતાં લોકાર્પણ

રાપર, તા. : 13 : સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ચાર એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને અલગ-અલગ રૂટ ઉપર રવાના કરાઈ હતી. એવરેજમાં અને આવકમાં અવ્વલ રાપર ડેપોની ઘણીખરી બસો ખખડધજ હોવાની ફરિયાદો વચ્ચે રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાની માગણીને અનુલક્ષીને રાજ્યનાં એસટી વિભાગ દ્વારા ચાર નવી ગુર્જરનગરી બસ ફાળવવામાં આવી હતી, જેનું રાજકીય, સામાજિક આગેવાનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ચાર નવી બસ રાપરથી ઝાલોદ અને વડોદરાના લાંબા રૂટમાં દોડાવવામાં આવશે, તેમ એસટીના મોહનભાઈ બારોટે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ લાંબા રૂટની બસો સાવ ખખડધજ થઈ ગઈ હતી. છાશવારે અને ગમે ત્યાં બ્રેકડાઉન થઈ જતી હતી. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોર, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ સોની, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, જસવંતીબેન મહેતા, શહેર ભાજપ મહામંત્રી મદુભા વાઘેલા, ઉપપ્રમુખ ગુમાનાસિંહ સોઢા, ભરતભાઈ ઠક્કર, વિજયગિરિ ગોસ્વામી, ભગવાનદાન ગઢવી, વિનુભાઈ થાનકી, નર્મદાબેન સોલંકી, હસુમતીબેન સોની, રાણાભાઇ પરમાર, કાનજીભાઈ આહીર, એટીઆઈ વેરશીભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd