ભુજ, તા. 12 : ધરતીકંપ-2001માં ધ્વસ્ત રાજાશાહી વખતની
નિર્માણ પામેલી અહીંની જ્યુબિલી હોસ્પિટલનાં પરિસરમાં શિવાલયનું પૂજન-અર્ચન તેમજ સારસંભાળ
કરતાં વત્સલાબેન પાટિલે મોટાપાયે ફૂલ-ઝાડનું વાવેતર બાદ પાણી સિંચન અને જતન કરીને વૃક્ષોની
શોભાથી પરિસરને નયનરમ્ય બનાવી દીધું છે. મૂળ
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતની અને સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી રહેતા અને ભજનની
પાઠશાળા સમાન ભૂલેશ્વર મહાદેવની સારસંભાળ સાથે જ્યુબિલી હોસ્પિટલને ખંડેર હાલતથી અસામાજિક
તત્ત્વો અને રખડતાં પશુઓના ત્રાસથી કંટાળીને શરૂઆતમાં પરિસરને ફરતે લોખંડના તાર સાથેની ફેન્સિંગ વોલ અને દરવાજો
બનાવ્યા પછી આખાયે પરિસરમાં વિવિધ જાતના રોપાનું વાવેતર કરી દીધું. આ ઝાડ-પાન પાછળ
વત્સલાબેન અને દીકરા રાજુભાઇએ પાણી સિંચન-જતન કરીને મોટા કરી દીધાં છે. ભૂલેશ્વર - જ્યુબિલી હોસ્પિટલનું
પરિસર અત્યારે ઇન્ટરલોક, બેસવા માટેના
બાંકડાથી સજ્જ થઇ જતાં મહિલા પૂજારીની વૃક્ષ પાછળની મહેનત રંગ લાવી દીધી છે. ખંડેર
હાલત પછી અત્યારે પરિસરમાં બે ઘડી બેસીને શાંતિનો
અહેસાસ થવા લાગ્યો છે.