• બુધવાર, 12 નવેમ્બર, 2025

ખાનગી છોડી સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો વધતો ઝોક

ભુજ, તા. 12 : ગુજરાતમાં બાળકોના શિક્ષણ અને તેના શારીરિક અને માનસિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે અનેક યોજનાઓ સાથે શાળાઓમાં માળખાકીય સુવિધા તથા શ્રેષ્ઠ શિક્ષકો થકી બાળકોને શિક્ષણ મળે તે માટેના સતત પ્રયાસો જારી છે. ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે આવેલી આ આમૂલ ક્રાંતિના બીજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2001ના શાસનકાળથી રોપાયા હતા અને હજુ પણ આ વિકાસયાત્રા સતત ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા અઢી દાયકામાં શિક્ષણજગતમાં કરાયેલા અનેક સુધારાના કારણે ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો ચલણ વધ્યું છે.  કચ્છ અંતરિયાળ અને સરહદી જિલ્લો હોવાથી રાજ્ય સરકાર સામે અનેક પડકાર છે, આમ છતાં આ પડકારોને ઝીલીને અહીંનું બાળક ઉત્તમ માળખાકીય સુવિધા સાથે શિક્ષણ મેળવે તે નેમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે, જેના અનેક ઊજળાં પરિણામો કચ્છના શિક્ષણ જગતમાં જોઇ શકાય છે. કચ્છના બાળકોની સતત ચિંતા કરતી રાજ્ય સરકારે તાજેતરમાં કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરવા ક્રાંતિકારી નિર્ણય લીધો છે. કચ્છનાં શિક્ષણ જગતમાં સૌથી પરિણામલક્ષી મહત્ત્વનો વળાંક એ આવ્યો છે કે, ખાનગી શાળામાં ભણવાના મોહ વચ્ચે જિલ્લાના વાલીઓ તેમાં પણ ખાસ કરીને શહેરોમાં જ્યાં અનેક ખાનગી શાળાઓની સ્પર્ધા છે, તે વિસ્તારોની સરકારી શાળાઓમાં ખાનગી શાળાના બાળકો હોંશે-હોંશે પ્રવેશ મેળવી રહ્યા છે. ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, લાયબ્રેરી, રમવા માટે મેદાન, પર્યાવરણનાં સંરક્ષણની પ્રેરણા આપતો બગીચો, સ્માર્ટ ક્લાસની સુવિધા  ઉપલબ્ધ કરાવતાં સરકારી શાળાઓ તરફ ઝોક વધ્યો છે. શૈક્ષણિક વર્ષ 2023-24થી 2024-25 સુધીમાં કુલ 5978 બાળકે ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. બાલવાટિકામાં 91, ધો. 1માં 264, ધો. 2માં 74, ધો. 3માં 301, ધો. 4માં 343, ધો. 5માં 322, ધો. 6માં 547, ધો. 7માં 315, ધો. 8માં 235, ધો. 9માં સૌથી વધુ 2168 બાળકે ખાનગી શાળાને તિલાંજલિ આપી સરકારી શિક્ષણ પસંદ કર્યું હતું, જ્યારે ધો. 10માં 378, ધો. 11માં 713 તથા ધો. 12માં 110 વિદ્યાર્થીએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જે પૈકી શહેરી વિસ્તાર ધરાવતા ભુજ અને ગાંધીધામ તાલુકાની શાળાઓ મોખરે છે, જ્યાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કર્યો હોય. ભુજ તાલુકામાં 1739 તથા ગાંધીધામ તાલુકામાં 1082 વિદ્યાર્થીએ સરકારી શાળાને પસંદ કરી છે.5978 બાળકના વાલીઓએ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવીને રાજ્યની સરકારી શાળાઓ પ્રત્યે પોતાની વિશ્વસનીયતા દર્શાવી છે. ભુજની પાટવાડી નાકા પાસે આવેલી પંચાયતી સરકારી શાળા નં. 1 કે જેમાં ભુજ શહેરમાં સૌથી વધુ છાત્રો ખાનગી શાળા છોડીને અહીં પ્રવેશ મેળવ્યો છે. બીજી તરફ શાળાના આચાર્ય રાજેશભાઇ ગોરે વાલીઓમાં સરકારી શાળાની લોકપ્રિયતામાં અંગે પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી શાળાઓની સુવિધાસભર ઇમારતો, ડિજિટલ ક્લાસરૂમ, લાયબ્રેરી, પ્રાયોગિક લેબ, રમતગમતની સુવિધાઓ અને બાળકોને હૂંફ મળે તેવું વાતાવરણ મળતાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટયો છે. 

Panchang

dd