ભુજ, તા. 12 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા
કચ્છ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવનારા છાત્રોનો અભિવાદન સમારોહ
યોજાયો હતો. યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા પ્રથમવાર આયોજિત આ
વિશિષ્ટ કાર્યક્રમ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પડાવ
સાબિત થયો હતો. યુનિવર્સિટીના 15મા દીક્ષાંત
સમારંભમાં પીએચ.ડી. ડિગ્રી પ્રાપ્ત કરનારા 30 જેટલા સંશોધકનું તેમના માતા-પિતા / વાલીઓ, પીએચ.ડી. માર્ગદર્શકો, બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યો,
એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સભ્યો, એકેડેમિક કાઉન્સિલ
સભ્યો, ડીનો તથા વિભાગાધ્યક્ષો, ટાચિંગ
ફેકલ્ટી તથા વિદ્યાર્થિનીઓની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી
રહ્યા હતા તથા તેમણે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન
પટેલ અને તેમની આર. એન્ડ ડી. ટીમની આ અનોખી પહેલથી વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ તેમના પરિવારજનો અને માર્ગદર્શકોને પણ ગૌરવ અને સંતોષની અનુભૂતિ થઇ હતી.
કુલપતિ ડો. મોહન પટેલે જણાવ્યું કે,
આવો કાર્યક્રમ યુનિવર્સિટીના સંશોધન સંસ્કારોને વધુ મજબૂત બનાવશે. દૂરદર્શી
દૃષ્ટિ હેઠળ યોજાતો આ પહેલો પ્રયાસ, સંશોધન ક્ષેત્રમાં નવા ધોરણો
સ્થાપી યુનિવર્સિટીને ભવિષ્યમાં અગ્રણી સ્થાન અપાવવાનો મજબૂત મંચ સાબિત થશે,
તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એક ખાસ ફીડબેક સેશનનું
પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ
વિભાગના વડા ડો. ગૌરવ ચૌહાણ કરાવ્યું હતું. સંચાલન સિસ્ટમ એન્જિનીયર ડો. અમર મહેતા અને રિસર્ચ ફેસિલીટેટર
ડો. દ્રુમા વૈદ્યે કર્યું હતું. સેક્શન ઓફિસર સુમન જેઠી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ
કુલસચિવ ડો. અનિલ ગોરે કરી હતી.