• મંગળવાર, 08 જુલાઈ, 2025

માતાનામઢમાં વીજ કરંટથી રાષ્ટ્રીય પક્ષીનું મોત

માતાનામઢ (તા. લખપત), તા. 5 : અહીંના ખટલા ડુંગર સ્થિત પવનચક્કીના વીજ કરંટથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોર નીપજતાં ગ્રામજનો તથા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી સાથે રોષ વ્યાપ્યો છે. આ કરૂણ બનાવ અંગે વન વિભાગના આર.એફ.ઓ. દેસાઇએ જણાવ્યું હતું કે, પશુ ચિકિત્સક દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. પ્રાથમિક તબક્કે મોરનું મોત વીજ કરંટથી થયું છે તેવું દેખાઇ રહ્યું છે. માતાનામઢ ખટલા ડુંગર અને તેની પાછળ આવેલું સેંસર તળાવ આ આખા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મોર, ઢેલ સહિતના પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં 10 જેટલી પવનચક્કીઓ વિવિધ કંપનીની લાગી ચૂકી છે. મોટા પ્રમાણમાં વીજપોલ લગાવવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ પણ વીજ કરંટથી મોરનું મોત નીપજ્યું હતું, તેનો મૃતદેહ ગ્રામજનોની નજરે પડયું હતું. |પણ એવા કેટલા અકસ્માતો બન્યા હશે કે કોઇના ધ્યાને આવ્યા નથી એ મોટો સવાલ છે. આ સીમાડામાં પશુપાલકોને તથા ખેડૂતોને અનેક જગ્યાએ મોરપંખ વિખેરાયેલા પડયા જોવા મળી રહ્યા છે. આ આખા વિસ્તારમાં મોર-ઢેલનાં ઝૂંડના ઝૂંડ જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા આ વિન્ડમિલ કે તેમના વીજપોલ અહીંથી ખસેડી શકાય તેવી ત્રેવડ બાકી રહી નથી. વન વિભાગ દ્વારા વિન્ડ કંપનીઓને એન.ઓ.સી. અપાય ત્યારે નિરીક્ષણ થતું હોય કે આ સ્થળ ઉપર કેટલા મોર-ઢેલ સહિતના પક્ષીઓ વસે છે. ઓફિસોમાં બેઠા બેઠા વન વિભાગ, વિન્ડ કંપનીઓને બેધડક એન.ઓ.સી. અપાય છે તેવા આક્ષેપો આ તાલુકામાંથી ઊઠી રહ્યા છે. ચિંકારા અભ્યારણ્ય વિસ્તારમાં પણ વીજપોલ પડી ચૂક્યા છે. આવી બેદરકારીના કારણે મોર-ઢેલ સહિતના પક્ષીઓ જોખમમાં મુકાયા છે તેવું જીવદયાપ્રેમીઓ માની રહ્યા છે. - વીજ કરંટથી બચવા રાષ્ટ્રીય પક્ષીનું સ્થળાંતર કરો : માતાના મઢના ખટલા ડુંગર તથા સેંસર તળાવની આસપાસ વસવાટ કરતા રાષ્ટ્રીય પક્ષી મોર-ઢેલને બચાવવા તે પક્ષીઓનું સ્થળાંતર મા. મઢની ગુગરિયાણી રખાલમાં કરવામાં આવે, તો તે પક્ષીઓને વીજ કરંટથી બચાવી શકાય તેમ છે. વન વિભાગ દ્વારા અહીં વસવાટ કરતા મોર-ઢેલનું સ્થળાંતર વહેલી તકે થાય એ સમયની માંગ છે અન્યથા પવનચક્કીના પાપે મોરના ટહુકા વિલાતા રહેશે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.

Panchang

dd