ગાંધીધામ, તા. 10 : ગાંધીધામ સંકુલમાં વીજળીની
કથડતી અને કંગાળ સેવા નાગરિકો અને ઉદ્યોગકારો માટે એક મોટી સમસ્યા બની ગઈ છે. ગરમી
અને આગામી ચોમાસાંની મોસમને ધ્યાનમાં લઈને તત્કાળ વીજ સંબંધિત સમસ્યાઓ નિવારવા મુદ્દે ગાંધીધામ ચેમ્બર દ્વારા પૂર્વ કચ્છ પીજીવીસીએલના
વડાને પત્ર પાઠવવામાં આવ્યો છે. ગાંધીધામ-આદિપુર-જોડિયાં
શહેરો સાથે ગ્રામીણ વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઈ ગયા છે. દરરોજ નવી વસતી ઉમેરાઈ
રહી છે. જેના કારણે વીજ પુરવઠાની માંગ વધી રહી છે તેની સામે સેવામાં સુધારો થતો નથી.
આ બાબતોને લઈને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે પૂર્વ કચ્છ પીજીવીસીએલના સુપરિન્ટેડેન્ટને
પત્ર લખીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વીજ ડિસ્ટ્રિબ્યૂશન પોઈન્ટ (ડીપી)ની હાલત
અત્યંત જોખમી બની ગઈ છે. અનેક જગ્યાએ ડીપીના દરવાજા ખુલ્લા છે, કટઆઉટ ખુલ્લા છે અને કેટલાક ડીપીમાં કચરાના
ગંજ જમા થઈ ગયા છે, જેનાથી શોર્ટ સર્કિટ અને આગ લાગવાનો ગંભીર
ખતરો ઊભો થયો છે. ખાસ કરીને મેઇન બજાર વિસ્તારમાં આવા ખતરનાક ડીપીને કારણે શોર્ટ સર્કિટ
થાય, તો ફાયર ફાઇટર વાહન લઈ જવામાં પણ ભારે અડચણો પડે તેવી સ્થિતિ
છે, જેનાથી ગંભીર જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરાઇ છે. ગાંધીધામ
ચેમ્બરના પ્રમુખ મહેશ પુંજે કહ્યું હતું કે, શહેરના નાગરિકો, વ્યાપારીઓ અને ઉધ્યોગપતિઓ દ્વારા વ્યાપક રજૂઆત મળી છે. શહેરના વિકાસ સાથે વીજ
પુરવઠાની સુસંગતતા અને સુરક્ષા એ ચેમ્બરનો પ્રાથમિક ઉદ્દેશ રહ્યો છે. ખાસ કરીને આવી
ચોમાસાની ઋતુ પૂર્વે પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ ખરાબ ડીપી,
કટઆઉટ અને વીજપોલની યોગ્ય મરંમત જરૂરી છે. અંડરગ્રાઉન્ડ વીજ કેબાલિંગના કામ માટે પણ ચોક્કસ
સમયમર્યાદા નક્કી કરીને કામ શરૂ કરવામાં આવે જેથી કરીને ખોદાયેલા ખાડાઓમાં વરસાદી પાણી
ભરાવાથી તેમાં અકસ્માત કે કોઈ રાહદારી-પશુધનને નુકસાન ન થાય તે જરૂરી છે તેમ જણાવ્યું
હતું. ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ
જણાવ્યું હતું કે, ગાંધીધામના ઔદ્યોગિક વિસ્તારોમાં સતત
વીજ પુરવઠો મેળવવો અત્યંત આવશ્યક છે. વારંવાર થતી વીજ ખલેલના કારણે ઉદ્યોગકારો ભારે
નુકસાન ભોગવી રહ્યા છે. વીજકાપની સમસ્યાઓનાં સમાધાન માટે અને નાગરિકોનો અવાજ ઉજાગર
કરવા માટે પીજીવીસીએલના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજવા માટે પત્ર પાઠવ્યો છે. સાથે
બે બેઠકનું આયોજન કેન્દ્રીય-રાજ્ય મંત્રીઓની મુલાકાત સંદર્ભે મુલતવી રાખી હતી. શહેરમાં
અનેક જગ્યાએ વીજપોલ રસ્તાઓમાં અવરોધક બની વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા
છે, તો બીજી તરફ વીજ વાયર સાથે અડકેલી વૃક્ષોની ડાળીઓ ચોમાસામાં
શોર્ટ સર્કિટનું કારણ બની શકે છે. તેથી દરેક વિસ્તારમાં વૃક્ષોની ડાળીઓની વ્યવસ્થિત
કાપણી તાત્કાલિક કરવામાં આવે તે પણ જરૂરી છે. શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો
બંધ હોવાથી રાત્રિના સમયે ગમે તેવો અકસ્માત સર્જાઈ શકે છે, તેથી
તમામ સ્ટ્રીટ લાઈટો પણ ફરી કાર્યરત કરવાની પણ તાકીદથી માંગ કરવામાં આવી છે. - અર્બન વીજ
સબ ડિવિઝન મંજૂર કરવા માંગ : જોડિયાં શહેરો ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવેશ
થયો છે અને વધુ વિસ્તારો જોડાઈ તેવી પણ સંભાવના છે,
ત્યારે એક અલગ અર્બન વીજ સબ
ડિવિઝન રચવાની પણ ચેમ્બરે અગાઉની માંગને દોહરાવી, આ અંગે સમયસર
જરૂરી સ્ટાફ અને શંસાધનો સાથે કાર્યરત કરવા માંગ કરી છે. વધતી વસતી અને ઔદ્યોગિક વિસ્તારોના
વિશાળ સ્તરને ધ્યાને લઈ વધુ સારાં સંચાલન માટે અલગ સબ ડિવિઝન હોવું અતિ આવશ્યક બન્યું
છે.