ભુજ, તા. 10 : શહેરમાં લાંબા સમયથી વધેલી
વીજસમસ્યા વચ્ચે છેલ્લા 12 દિવસથી વોલ્ટેજ
વધવાની સમસ્યાથી ત્રસ્ત બનેલા લોટસ કોલોની, વાલ્મીકિનગરના રહેવાસીઓએ આજે રોષભેર પીજીવીસીએલ કચેરી ખાતે ધસી જઇ સમસ્યા ઉકેલની
માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. ભુજના સિટી-બેમાં આવતા ઉપરોક્ત વિસ્તારના લોકોએ ઇન્સાનિયત
જિંદાબાદ સેવા સંસ્થાના નેજા હેઠળ પીજીવીસીએલ કચેરી ખાતે મોરચા સ્વરૂપે જઇ અધિકારીને
લેખિત રજૂઆત સાથે વીજસમસ્યાના કાયમી ઉમેલની માગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવાયા મુજબ
છેલ્લા 12 દિવસથી લોટસ કોલોની, વાલ્મીકિનગર તેમજ આસપાસના વિસ્તારોમાં વીજવોલ્ટેજ
અતિશય વધી જતાં વીજ ઉપકરણોને નુકસાન થઇ રહ્યું છે. વોલ્ટેજ વધી જતાં શોર્ટ- સર્કિટથી
લોકોના જીવનું જોખમ સર્જાતું હોવાનું જણાવી આ સમસ્યાનો કાયમી ઉકેલ કરવા રહેવાસીઓ દ્વારા
પીજીવીસીએલ કચેરી ખાતે આવેદન અપાયું હતું.