• સોમવાર, 16 જૂન, 2025

રાતા તળાવમાં પશુ હોસ્પિટલનું નિર્માણ શરૂ

રાતા તળાવ, તા. 10 : અબડાસા તાલુકાના સેવા ધામ રાતા તળાવ ખાતે આધુનિક પાંજરાપોળ બનાવવા માટેના પ્રયાણમાં પ્રથમ ચરણ પૂર્ણ થયું છે. વાલરામજી પાંજરાપોળના પ્રાંગણમાં 25000 ચોરસ ફૂટમાં તૈયાર થનારી પશુ હોસ્પિટલનું પ્લીંથ સુધીનું કાર્ય પૂર્ણ થયું હતું. આઈ આશાપુરા માતાજીની મૂર્તિ સ્થાપન માટે વિશેષ સ્થાનનું પણ પ્લીંથ લેવલ સુધીનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. સાથે-સાથે પાંજરાપોળના તમામ ગૌવંશ માટે હાઇટેક પદ્ધતિથી સંચાલન થાય તેવા શેડ બનાવવા માટે દાતાની નેમ સાથે કરોડોના ખર્ચે તૈયાર થનારા પાંજરાપોળના શેડ, પશુ હોસ્પિટલ, મુખ્ય મંદિર સંકુલ, અતિથિ ભવન, સુશોભન તળાવના કાર્યથી આ સેવાધામ હવે અબડાસાનું પ્રવાસન ધામ પણ બનશે. સંત વાલરામજી મહારાજ પાંજરાપોળ એવમ સેવા ગામ રાતા તળાવ ખાતે કાર્યરત સંસ્થા કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળની સ્થાપનાને આવતી 25 જાન્યુઆરી-2026ના 50 વર્ષ પૂર્ણ થવાના હોઇ એક સુવર્ણજયંતી મહોત્સવ મુંબઈ ખાતે ઊજવાશે. સાથે વર્ષ દરમિયાન મુખ્ય મંદિર અતિથિ ભવન વગેરેના નિર્માણકાર્યનો આરંભ કરવામાં આવશે. સાથે મહોત્સવમાં દાતાઓ અને સંસ્થા સાથે જોડાયેલા સંસ્થાપ્રેમીઓનું બહુમાન કરવામાં આવશે. સેવાધામ રાતા તળાવ ખાતેની પાંજરાપોળમાં 5800 જેટલા નિરાધાર ગૌવંશની સેવા હાલના સમયમાં થઈ રહી છે અને નાત-જાતના ભેદભાવ વિના ગૌસેવા ધર્મ સેવા અને માનવ સેવાના કાર્યોથી પ્રેરાઈને દાતાઓના દાનની સરવાણી પણ ખૂબ વહે છે, જેમાં માતા ધનલક્ષ્મીબેન કરસનદાસ મંગે (વમોટી હાલે જામનગરવાળા) પરિવારના અને શ્રીનાથજીના ભક્ત એવા નીલેશભાઈ મંગે દ્વારા પાંજરાપોળને હાઈટેક બનાવવા માટેના સંપૂર્ણ ખર્ચ માટેની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. મંદિર જીર્ણોદ્ધારના કાર્ય માટેના સંપૂર્ણ ખર્ચ માટે શામજીભાઈ  દેયાતભાઈ નંદા પરિવાર (બિટ્ટાવાળા)-રાજેશભાઈ નંદા રહ્યા છે. હાલમાં નિર્માણ પામેલી પશુ હોસ્પિટલ માટે માતા મીતાબેન શંભુલાલ ગજરા (ધુણઈવાળા) પરિવારના દીપ ગજરાએ નેમ વ્યક્ત કરી છે. અન્ય યાત્રાળુઓની સુવિધા માટે ભવનના નિર્માણ માટે ઓધવપ્રેમી ગ્રુપે તૈયારી દર્શાવી છે. અહીં નાત-જાતના ભેદભાવ વિના સેવા કાર્યો થઈ રહ્યા છે. વિશેષમાં જણાવાયું હતું કે, હાલમાં જે ગૌસેવાનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં કચ્છ કડવા પાટીદાર સમાજ, લેવા પટેલ સમાજ, ભાનુશાલી સમાજ, બ્રહ્મસમાજ, જૈન સમાજ તેમજ લોહાણા મહાજન દ્વારા ઘાસચારો અને ખાણદાણ તથા ગૌવંશના છાંયડા માટે અને ઘાસચારા સ્ટોરેજ વગેરેના કાર્યમાં નિરંતર સહયોગ મળી રહ્યો છે. સંસ્થાના નિરંતર સહયોગી દાતા કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા અને હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર (રામપર હાલે ગાંધીધામ), આશારિયા લાલજી વડોર પરિવાર, ગિરધરભાઈ ખેતશી મંગે પરિવાર, છભાડિયા પરિવાર, ગૌદાન ગ્રુપ અને આઈ શ્રી દેવલમા જીવદયા સત્સંગ સમિતિ દ્વારા પણ ગૌસેવા માટે સહયોગ મળી રહ્યો છે. સેવાધામ સંસ્થાના સ્થાપક મનજીભાઇ ભાનુશાલીએ સૌ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd