• સોમવાર, 16 જૂન, 2025

આડેસરના સરપંચ ચૂંટાશે તોય 14 મહિના માટે...

ભુજ, તા. 10 : હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં રાપર તાલુકાની 29 ગ્રામ પંચાયતની સામાન્યની સાથેસાથે પેટાચૂંટણીઓ યોજાવાની છે, જેમાં આડેસરની પેટાચૂંટણી જાહેર કરી છે, પરતું તેમાં ચૂંટાનારા સરપંચની મુદતનો સમયગાળો માત્ર 14 માસનો રહેશે. આ ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજવા પાછળનું કારણ વર્તમાન સરપંચ ગાયત્રીબા જાડેજા સામે થયેલી ઉચાપત અંગેની ફરિયાદોને પગલે તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ પ્રજાપતિએ ગત ડિસેમ્બરમાં કલમ 57 હેઠળ સસ્પેન્ડ કરેલા છે, તેથી ફરજમોકૂફ સરપંચ ગાયત્રીબાએ અધિક વિકાસ કમિશનર સમક્ષ આ હુકમ રદ કરવા અપીલ કરી છે, જેની સુનાવણી દર માસે અપાતી નિયત મુદતમાં થઈ રહી છે. વળી આ અપીલની કાર્યવાહી પૂર્ણ થઈ નથી તો સરપંચને પણ કોઈ મનાઈહુકમ મળ્યો નથી, તેથી તેનો ચાર્જ હાલ ઉપસરપંચ પાસે છે, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા માત્ર 14 મહિના માટે પેટાચૂંટણીનું જાહેરનામું બહાર પડાતાં ગામલોકોમાં આશ્ચર્ય સાથે ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ નવી ચૂંટણીમાં જે સરપંચ પદે આવશે તેનો કાર્યકાળ 14 માસનો જ રહેશે એ દરમ્યાન અધિક કમિશનર પાસે અપીલમાં ગયેલા વર્તમાન સરપંચ તરીકે ચુકાદો આવશે તો આ પેટાચૂંટણીમાં ટૂંકાગાળા માટે નવા ચૂંટાઈને આવનારા નવા સરપંચને ઘેર બેસવાનો વારો આવશે, તેથી હાલ તેમના પર તલવાર લટકતી રહેશે, આમાં અનેક કાયદાકીય પ્રશ્નોયે ઊભા થવાની શક્યતાઓ રહે છે. જાણકારોના મતે ખરેખર તો ચૂંટણી અધિકારીઓએ આવી ગ્રામ પંચાયતોના પદાધિકારીઓના સસ્પેન્શનનાં કારણે ખાલી પડેલી જગ્યાઓ પર ચૂંટણી યોજતા પહેલાં અપીલ-સુનાવણીઓનો નિકાલ કર્યા બાદ જાહેરનામું બહાર પાડે તો ગ્રામીણ લોકશાહી માટે ઉત્તમ અને સરાહનીય પગલું લેખાય. દરમ્યાન તાજેતરના દાખલામાં જોતાં મુંદરા તાલુકાના નાના કપાયાના વોર્ડ 10ના સદસ્ય લખમણ કાનજી ગઢવીને મુંદરા તાલુકા વિકાસ અધિકારીએ ત્રણ બાળકનાં કારણે સસ્પેન્ડ કર્યા હતા, જેની સામે આ સદસ્યે જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવ સમક્ષ અપીલ કરી હતી, જેમાં આ અધિકારીએ આ ગામની ચૂંટણીનાં જાહેરનામા પહેલાં જ અપીલનો નિર્ણય લઈ ચૂંટણી માટે કાયદાકીય માર્ગ મોકળો કરી આપ્યો હતો. આ જ રીતે જો આડેસર ગ્રામ પંચાયતના સરપંચની અપીલનો નિર્ણય અધિક વિકાસ કમિશનરે કર્યો હોત તો ગ્રામજનોને હાલની ચૂંટણી સંબંધી મૂંઝવણનો સામનો ન કરવો પડે અને નવા ચૂંટાનારા સરપંચ માટે લટકતી તલવાર જેવો પ્રશ્ન ઉપસ્થિત થવાની સંભાવના નહીંવત રહેતાં તેવો સૂર જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd