ભુજ, તા. 9 : અહીંની
પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં આજે લાયસન્સ ટેસ્ટ ટ્રેક માટે આવેલા
અરજદારો પાસેથી તેમના દસ્તાવેજોના સત્યાપન માટે સંબંધિત અધિકારી દ્વારા `માય આધાર' એપમાં ફરી ડાઉનલોડ કરવાનો આગ્રહ સેવાયો
હોવાના આક્ષેપ સાથે ટ્રેકની કામગીરી કલાકો સુધી હાથ ન ધરી શકાતાં દૂરદૂરથી આવેલા પશ્ચિમ
કચ્છના અરજદારોને તડકામાં શેકાવું પડ્યું હોવાની ફરિયાદ ઊઠી છે. કલાકો સુધી તડકામાં
ઊભેલા લોકોએ જણાવ્યું હતું કે આજે સવારથી દસ્તાવેજોની ચકાસણી વખતે આધાર કાર્ડ સહિતના
પુરાવા માય આધાર એપમાં ફરીથી ડાઉનલોડ કરવાનો આગ્રહ રખાયો હતો જેને કારણે કામગીરી વિલંબમાં
પડી હતી. અનેક અરજદારો અને સંબંધિત અધિકારીઓ
વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ સર્જાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લાયસન્સની કામગીરી માટે
સિનિયર સિટીઝનો પણ લાઈનમાં હતા અને તેમને પણ આ આકરા તાપ વચ્ચે કલાકો સુધી લાઈનમાં હેરાન
થવું પડ્યું હોવાની ફરિયાદ ઊઠી હતી. દસ્તાવેજોના સત્યાપનમાં વિલંબ થવાને કારણે ટ્રેક
પરની કામગીરી છેક બપોર બાદ શરૂ થતાં પરીક્ષા દેવા આવેલા અનેક લોકોને ભારે હેરાનગતિનો
સામનો કરવો પડ્યો હતો. આરટીઓ અધિકારી શંકાસ્પદ લાગે તેવા કેસોમાં ભલે સત્યાપન માટે
વિશેષ તપાસનો આગ્રહ રાખતા હોય, પરંતુ તમામ અરજદારો પાસેથી આ રીતે
દસ્તાવેજ સત્યાપન કરાવવામાં આવતાં આકરા તાપ-ગરમી વચ્ચે લોકો પરસેવે નહાયા હતા. જો કે,
ખોટી વ્યક્તિઓ ન ફાવી જાય તે માટે તંત્ર દ્વારા આ પ્રક્રિયા કરાઈ હોવાનું
પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. અલબત્ત, જવાબદાર અધિકારીનો
આ બાબતે સંપર્ક થઈ શક્યો ન હોતાં હકીકત જાણી શકાઈ નહોતી.