ભુજ, તા. 9 : શહેરની
વાણિયાવાડ બજારમાં શેરી ફેરિયાઓની લારી અને માલસામાન બળજબરીપૂર્વક જપ્ત કરવા સાથે મહિલા
સહિતના ફેરિયાઓ સાથે ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અયોગ્ય વર્તનને
પગલે તેમનાં જીવન જીવવા અને આજીવિકા મેળવવાના અધિકારઓના હનનના આક્ષેપ સાથે કલેક્ટરને
આવેદન અપાયું હતું. ભુજની વાણિયાવાડ બજાર વર્ષો જૂની છે. નગરપાલિકા દ્વારા થયેલા સર્વે
મુજબ આ બજારમાં 169 શેરી ફેરિયાઓ
વેપાર કરે છે. ઉલ્લેખનીય છે કે, બસ સ્ટેશન રોડને વેન્ડિંગ ઝોન તરીકે
જાહેર કરાયો હતો જ્યાં ભૂતકાળમાં મોટી સંખ્યામાં વિક્રેતાઓને વેન્ડિંગ સર્ટિફિકેટ અપાયાં
હતાં. ગઈકાલે સવારે સુધરાઈ દ્વારા વાણિયાવાડ વિસ્તારમાં વેપાર માટે બેઠેલા પથી 7 ફેરિયાઓના લારી અને માલસામાન જપ્ત કરી મારામારી કરવામાં
આવી હતી જેનો વિરોધ કરનારા અને પોતાના રોજગારને બચાવવાના પ્રયાસ કરનારા ફેરિયાઓને પોલીસ
દ્વારા બળજબરીપૂર્વક વાનમાં લઈ જવાયા હતા, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. જેમને
પુરુષ પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા અપમાનિત કરાયા સહિતના આક્ષેપ કરાયા હતા. માત્ર 50થી 55 ફેરિયાઓની
ક્ષમતા ધરાવતા ઓપન એર થિએટરની જગ્યામાં ફેરિયાઓને બેસાડવામાં આવ્યા અને બાકીનાને ભુજ
નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા હટાવી દેવામાં આવ્યા. આ સંદર્ભમાં જ્યાં સુધી ફેરિયાઓ
માટે યોગ્ય વ્યવસ્થા/સમાધાન પૂરું પાડવામાં ન આવે તેમજ હાઈકોર્ટ તરફથી ચુકાદો ન આવે
ત્યાં સુધી ફેરિયાઓને કોઈપણ પ્રકારે નુકસાન પહોંચાડયા વગર વેપાર કરવા દેવામાં આવે અને
જેમના લારી અને માલસામાન ઉઠાવી જવાયા છે એ તાત્કાલિક ધોરણે પરત કરવામાં આવે તેવી માંગ
સ્ટ્રીટ વેન્ડર એસો. કચ્છના પ્રમુખ મયૂર ગોર, મંત્રી અભિષેક ઠક્કર, ઉ.પ્ર. વિમલસિંહ ચૌહાણ તેમજ નેશનલ હોકર ફેડરેશન ગુજરાતના મહામંત્રી મહમદ લાખા
વિ. એ કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરી હતી.