ભદ્રેશ ડુડિયા દ્વારા : ભુજ, તા. 9 : કચ્છ
પ્રવાસનનો ધમધમાટ માત્ર શિયાળા ઋતુ-રણોત્સવ પૂરતો જ સીમિત ન રહી બારેમાસ કચ્છ પ્રવાસીઓથી
ધબકતું રહે તેવા પરિણામલક્ષી આશય સાથે કચ્છના ટૂર એન્ડ ટ્રાવેલ્સ, હોટેલીયર તથા ગાઇડો સાથે કચ્છમિત્રએ મંથન કર્યું હતું. સૌ એકમત હતા કે કચ્છનું
પ્રવાસન વિકસ્યું હોવા છતાં હજુ ઘણી અધૂરાશો છે. કચ્છમાં બારેમાસ પ્રવાસીઓ આવી શકે
એટલાં આકર્ષણો છે, એ માટે વિવિધ સર્કિટ વિકસાવવી પડશે સાથે મનોરંજનની
જગ્યાઓ ઊભી કરવી જરૂરી છે. કચ્છને પ્રવાસન ક્ષેત્રે વિશ્વકક્ષાએ ખ્યાતિ મળી ચૂકી હોવા
છતાં કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં જે કડીઓ ખૂટી રહી છે તેને નિવારવી અત્યંત જરૂરી
બની છે, આથી પ્રવાસન ક્ષેત્રના સ્થાનિક અગ્રણીઓના મંતવ્યો જાણી
તેને નિવારવા યોગ્ય સ્તરે એકજૂટ થઇ પરિણામલક્ષી રજૂઆત કરવાનો નિર્ણય કચ્છમિત્ર ભવનમાં
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા સાથે યોજાયેલી આ મંથન બેઠકમાં
લેવાયો હતો. પ્રવાસીઓને ફરી એ સ્થળે આવવા આકર્ષે તેવી આંતરમાળખાંકીય સુવિધાઓ ઉપરાંત
દેશ-વિદેશના પ્રવાસીઓને કચ્છ સુધી પહોંચવામાં સુગમતા રહે તેવી કનેક્ટિવિટીની સુવિધા
મળે, ફરવા-જોવા સ્થળોની સૂચિ ઉપરાંત કઇ રીતે ક્યાંથી જવા,
કોનો સંપર્ક કરવો, ગાઇડ વગેરેની સંપૂર્ણ માહિતી
પ્રવાસીઓને મળી રહે તેવાં પગલાં ભરવા આવશ્યક હોવાનું શ્રી મામણિયાએ જણાવ્યું હતું. વિશ્વના કોઇ જ ખૂણે જોવા મળે તેવા રણ, દરિયો અને ડુંગર ધરાવતા, અનોખી તાસીર ધરાવતા કચ્છમાં
પ્રવાસનનો વ્યાપ વધ્યો છે, પરંતુ આ પ્રવાસ માત્ર સિઝનલ ન રહી
બારેમાસ રહે તેવા અનેક અસામાન્ય સ્થળો આવેલાં છે. આવાં સ્થળોની માહિતીનું સંકલન કરી
તેની માળખાંકીય સુવિધાઓ ઊભી કરી અને આયોજનબદ્ધ રીતે કાર્ય થાય તો કચ્છનું ટૂરિઝમ બારેમાસ
ધમધમી શકે તેવું નિ:શંકપણે શક્ય હોવાનું હાર્દિકભાઇએ ઉમેર્યું હતું. કચ્છ ટૂરિઝમ વેગવંતું
બનાવી બારમાસી કરવા તેને સંલગ્ન ખૂટતી કડીઓ નિવારવાનાં વિવિધ સૂચનો પ્રવાસન ક્ષેત્રના
સ્થાનિક ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો, ગાઇડ તથા હોટેલીયરો દ્વારા
અપાયાં હતાં. બેઠકમાં કચ્છમિત્રના દીપક માંકડ, મુકેશ ધોળકિયા,
નિખિલ પંડયા, હુસેન વેજલાણી હાજર હતા.
વિકેન્ડ
ડેસ્ટિનેશન-વેલકમ ટુ કચ્છ
વર્ષમાં
ત્રણથી ચાર મોટાં વિકેન્ડ આવે છે. મુંબઇવાસીઓ માટે વિકેન્ડ ડેસ્ટિનેશન ગોવા, લોનાવાલા હોય છે, ત્યારે કચ્છને પણ વિકેન્ડ ડેસ્ટિનેશન
બનાવવા પ્રયાસ થવા જોઇએ. આવા વિકેન્ડમાં ફરવા-જોવાલાયક કચ્છનાં પ્રસિદ્ધ સ્થળો ઉપરાંત
સાહસિક સ્થાનો, અસામાન્ય સ્થળો અને ટૂર્સ સાથે ગાઇડની યાદી તૈયાર
કરી તેનો પ્રચાર-પ્રસાર વેબસાઇટ મારફત તથા જન્મભૂમિ જૂથના અખબાર કચ્છમિત્ર તથા મુંબઇમાં
જન્મભૂમિ પત્ર દ્વારા કરવાની ખાતરી આપવામાં આવી હતી. રેલવે સ્ટેશન ઉપર અને એરપોર્ટ
ઉપર ટૂરિસ્ટ ઊતરે ત્યારે તેને પ્રથમ સંપૂર્ણ માહિતી મળી રહે તેનીય વ્યવસ્થા ગોઠવી શકાય.
નવા ગાઇડ તૈયાર કરવા કચ્છ યુનિવર્સિટી સાથે વાટાઘાટ થાય એ મુદ્દે સિનિયર હોદ્દેદારો-ટ્રાવેલ
એજન્ટો સહમત થયા હતા.
યુરોપની
બધી એમ્બેસીમાં કચ્છનું પેમ્ફ્લેટ
કચ્છને
પ્રવાસન ક્ષેત્રે ધબકતું કરવા કચ્છમિત્રની વેબસાઇટ પર બધી જ વિગતો મળી રહે તેવી ગોઠવણ
કરાશે. વધુ યુરોપની બધી જ એમ્બેસીમાં કચ્છનું પેમ્ફ્લેટ રહે તે માટે અમારી વાત થઇ ગઇ
હોવાનું હાર્દિકભાઇએ જણાવ્યું હતું. આમ વિદેશી પ્રવાસી કચ્છ આવે તે પૂર્વે તેને સામાન્ય
માહિતી મળી રહે અને વેબસાઇટ પરથી સંપૂર્ણ વિગતો મળે.
કચ્છનો
પ્રવાસ એકવારનો ન બની રહે...
કચ્છનો
પ્રવાસ એક વખતનો છે તેવી છાપ ભૂંસવા મનોરંજનનાં સાધનો ગોઠવવા જોઇએ. આખા કચ્છનાં જોવા
- માણવાલાયક સ્થળોનો વિસ્તૃત નકશો કિ.મી. સાથેનો તૈયાર કરી પ્રવાસી કચ્છમાં પગ મૂકે
ત્યારે જ તે તેને મળી રહે તેવી સુવિધાની સાથોસાથ વેબસાઇટ પર પણ આગોતરી આવી વિગતો મળે
તે રીતે તૈયાર કરવા પર હોટેલિયર્સ જટુભા રાઠોડે ભાર મૂકયો હતો. આ ઉપરાંત પ્રવાસન સ્થળોએ
પૂરતાં શૌચાલય નથી તેમજ તે સાફસૂથરા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડતી હોવાની રાવ
આવતી રહે છે. આથી ગુજરાત પ્રવાસન વિભાગ આ મુશ્કેલીને દૂર કરી હંગામી ધોરણે ઠેર - ઠેર
મોબાઇલ ટોઇલેટ ગોઠવવા જોઇએ.
માંડવી
બીચને વિકસાવો, સ્મૃતિવનમાં લેઝર-શો કરો
કચ્છમાં
બારેમાસ પ્રવાસીઓને ખેંચી લાવવા કચ્છના રમણીય માંડવી બીચને વિકસાવવો જરૂરી છે. ગોવા
અને દીવ જેવા મનોરંજનનાં સાધનો ગોઠવવાં તેમજ ત્યાં માળખાંકીય સુવિધા ઊભી કરવાથી પ્રવાસનનું
આકર્ષણનું કેન્દ્ર બની શકેશે તેવું બાલાજી ટ્રાવેલ્સના સંજય ગઢવીએ જણાવી વધુમાં ઉમેર્યું
હતું કે, ભુજના સ્મૃતિવનમાં દરરોજ સંધ્યા બાદ લેઝર-શો ગોઠવવામાં આવે
તો પ્રવાસીઓને મોજ પડી જાય અને આ આધુનિક મનોરંજન થકી પણ પ્રવાસીઓનો પ્રવાહ વધી શકે.
રણોત્સવમાં
ટૂરિઝમ ખાતું બધી જવાબદારી નિભાવે
એકસમયે
કચ્છનું છેલ્લું ગામ ધોરડો હતું પણ હવે તે પહેલું ગામ બન્યું છે. વિશ્વ વિખ્યાત સફેદ
રણની સુંદરતા નિહાળવા દેશ - પરદેશથી અહીં દોડી આવતા પ્રવાસીઓ થકી આ શકય બન્યાનું ગામના સરપંચ મિંયાહુસેને જણાવ્યું હતું. પ્રવાસીઓને
પૂરતી માહિતી મળી રહે તેમજ અહીં હજુ પણ સુવિધાઓ વિકસાવવાની જરૂર છે. ધવલ રણની સુંદરતા
કાયમ રહે તે માટે પ્રવાસીઓ જ કાળજી લઇ ગંદકી ન ફેલાવે તે અંગે જાગૃતિ લાવવા પર તેમણે
ભાર મૂકી વધુમાં ઉમેર્યું હતું કે, રણોત્સવ દરમ્યાન વિવિધ મનોરંજનનાં
સાધનો જેમ કે, ઊંટસવારીનાં ભાડાંને લઇ પ્રવાસીઓ અને તેના સંચાલકો
વચ્ચે લાંબા સમય સુધી ભાવતાલ થતા હોય છે. આથી પ્રવાસીના સમયનો વેડફાટ થાય છે,
જેને બચાવવા ગુજરાત ટૂરિઝમ આગળ આવી આ વ્યવસ્થા પોતે સંભાળી લે અને યોગ્ય ટિકિટ અગાઉથી લઇલે તો આવી રકઝક નિવારી શકાય.
ગુજરાત
પ્રવાસનમાં કચ્છની અનદેખી
અભિતાભ
બચ્ચનની `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' ટી.વી. એડથી કચ્છને ખાસી એવી પ્રસિદ્ધિ મળી હતી, પરંતુ
હાલની ગુજરાત પ્રવાસનની એડમાં કચ્છના પ્રવાસન સ્થળોની અનદેખી કરવામાં આવી હોવાનું રાજન
ઠક્કરે જણાવી ઉમેર્યું હતું કે, હાલની જાહેરાતની સાથોસાથ જૂની
એડ કચ્છ નહીં દેખા પણ ચલાવવામાં આવે તો કચ્છના પ્રવાસનને પ્રચાર - પ્રસાર મળી શકે.
ગંદકી
- ખરાબ રસ્તા છાપ બગાડે છે
બહારગામથી
કચ્છના પ્રવાસે આવતા મુસાફરો રેલવે - હવાઇ તથા બસ માર્ગે જિલ્લા મથક ભુજ આવે, કચ્છમાં પગ મૂકતાં જ રેલવે મથકથી બહાર આવતાં ઊભરાતી ગટર અને ખખડધજ રસ્તા તેમજ
ઠેર - ઠેર ગંદકી થકી પ્રવાસીઓમાં કચ્છની છબી ખરડાય છે, જેને લઇને
સ્થાનિક તંત્ર સુઘડ માર્ગ અને સ્વચ્છતા સંબંધી પરિણામલક્ષી પગલાં લેવાં જરૂરી હોવાનું
ટૂર ઓપરેટર એસોસીએશન ઓફ કચ્છના પ્રમુખ અને અરિહંત ટૂર્સના હિતેશભાઈ મોરબિયાએ જણાવી
ઉમેર્યું હતું કે, બેરોકટોક હવાઇ ભાડાં પર પણ અંકુશ જરૂરી છે.
વિમાન
- ટ્રેન સેવા વધારો
રણોત્સવ
દરમ્યાન કચ્છમાં પ્રવાસીઓના ઘોડાપૂર હોય છે, ત્યારે વિમાની સેવા - ટ્રેન ઓછી પડે
છે. ટ્રેનમાં વેઈટિંગ ચાલતું હોય છે. વિમાની ભાડાં આસમાને પહોંચે છે. આવી મુશ્કેલી
નિવારવા દેશના મેટ્રો શહરે સાથે વધારાની વિમાની સેવા તથા ટ્રેન દોડાવાથી વધુમાં વધુ પ્રવાસીઓ કચ્છ પહોંચી શકશે તેવું એરપોર્ટ
સલાહકાર સમિતિના સભ્ય રાજેશ શેખવા, મેટ્રો ટ્રાવેલ્સના જાવેદ
ખોજા, શિવ હોટલના ધીરુભાઇ ગોસ્વામી તથા ભાવિન તન્ના, ચંદ્રસિંહ જાડેજા અને જયેશ પટેલે જણાવ્યું હતું.
પ્રવાસીઓ
છેતરાતાં બચે
કચ્છના
પ્રવાસે આવતા અનેક પ્રવાસીઓ જાણે - અજાણે વિવિધ પેકેજ બુક કરાવી છેતરાતા હોય છે, ત્યારે કચ્છના પ્રવાસે આવતા લોકો ટૂર ઓપરેટર એસો.ની વેબસાઇટનો સંપર્ક કરે.
આમાં તમામ સ્ટાર્ન્ડ ઓપરેટર્સની માહિતી છે. આ જોઇને આગળ વધવાથી છેતરાતાં બચી શકાશે
તેવું ટીઓએકેના અંશુલ વચ્છરાજાનીએ કહ્યું હતું.
ગાઇડને
કામ મળતું નથી
ગુજરાત
ટૂરિઝમ દ્વારા કચ્છના ગાઇડોની દરકાર લેવામાં ન આવતી હોવાની વાત ગાઇડ એવા સંદીપ ખીએરાએ
કરી હતી. કચ્છમાં 40 જેટલા ગાઇડ છે પરંતુ જોઇએ તેટલું
કામ મળતું નથી. કચ્છ ફરવા માટે ટાઇમ મેનેજમેન્ટ અત્યંત જરૂરી છે તેવું રાજેશ માંકડે જણાવી ઉમેર્યું હતું
કે, કચ્છના જોવાલાયક સ્થળો એક - બીજાથી લાંબા અંતરે આવેલાં છે
જેની
બહારના પ્રવાસીઓને ખબર નથી હોતી, આથી
કચ્છ
ફરવા માટે લાંબો સમય પ્રવાસી ફાળવે તો પ્રવાસ આરામદાયક સાથે યાદગાર બની રહે.
પ્લાસ્ટિમુક્ત
કચ્છ બનાવો
ધર્મેશ
ખત્રીએ કચ્છને પ્લાસ્ટિકમુક્ત કરવા તથા અવિકસિત પ્રવાસન સ્થાનોને વિકસિત કરવા સૂચવ્યું
હતું જ્યારે જાવેદ ખોજાએ બહારના પ્રવાસીઓને કનડતી કનેક્ટિવિટીની સમસ્યામાંથી મુક્તિ
મળે તે જોવા જણાવ્યું હતું.
પ્રવાસી
કયાંય ન મુંઝાય તેવી વ્યવસ્થા ગોઠવાય
કચ્છના
પ્રવાસે આવનાર પ્રવાસીને દરેક જોવાલાયક સ્થળોની સાચી - સંપૂર્ણ માહિતી મળી રહે તેમજ પરિવહન, રહેવા - જમવાની નક્કી થયેલા દર તેમજ
રણમાં ફસાય તો કોનો સંપર્ક કરવો સાથેની વ્યવસ્થા
ગોઠવાય તો પ્રવાસી કયાંય ન મુંઝાય તેવો અભિપ્રાય ચંદ્રેશ સોમૈયાએ આપ્યો હતો.
કચ્છના
અસામાન્ય સ્થળોને ઉજાગર કરો
વર્ષાઋતુ
બાદ કચ્છનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે. હરિયાળા ડુંગર અને ડુંગરની કોતરોમાંથી ખળખળ
વહેતા ઝરણાની સુંદરતા મંત્રમુગ્ધ કરી મૂકે તેવા અસામાન્ય સ્થળો કચ્છમાં અઢળક છે, ત્યારે આવાં સ્થળોને પ્રચાર - પ્રસાર કરવા પર ટૂર ગાઇડ ઇકબાલ કુંભારે ભાર મૂકયો
હતો. આ ઉપરાંત એસ્ટ્રો ટૂરિઝમને લઇને પણ અનેક ઉત્કૃષ્ટ જગ્યાઓ કચ્છમાં છે જેને પણ ઉજાગર
કરી શકાય તેવો અભિપ્રાય આપ્યો હતો.