• સોમવાર, 16 જૂન, 2025

ભુજ શહેરમાં કોરોનાના એકસામટા છ કેસ

ભુજ, તા. 9 : દેશ અને રાજ્ય સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે, જેને લઈ થોડો ઉચાટ જોવા મળી રહ્યો છે. આજે જિલ્લા મથક ભુજમાં એકસાથે કોરોનાના છ કેસ નોંધાતાં અત્યાર સુધી જિલ્લામાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંક 32 પર પહોંચ્યો છે. 12 લોકો અત્યાર સુધી કોરોનામુક્ત થતાં હાલ સક્રિય કેસનો આંક 20 પર પહોંચ્યાનું આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જણાવ્યું છે. આજે નોંધાયેલ કેસ એક દિવસમાં અત્યાર સુધી નોંધાયેલ સર્વાધિક છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારના જણાવ્યાનુસાર ભુજ શહેરમાં ચાર વર્ષની બાળકી સહિત કુલ છ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સાથે અત્યાર સુધી જિલ્લા મથકે નોંધાયેલ કુલ કેસનો આંકડો 21 પર પહોંચ્યો છે. સત્તાવાર રીતે મળેલી વિગત અનુસાર ભુજ શહેરમાં ચાર વર્ષની બાળકી, 36 વર્ષની મહિલા, 36 વર્ષની મહિલા, 61 વર્ષના પુરુષ, 31 વર્ષના પુરુષ અને 4પ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાહતરૂપ બાબત એ છે કે, હાલ તમામ સંક્રમિતો હોમઆઈસોલેશનમાં છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણના આ નવા દોરમાં ભુજ શહેર કેન્દ્રબિંદુ બન્યું હોય તેમ સમગ્ર જિલ્લામાં સર્વાધિક કેસ અહીં નોંધાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર હાલ જોવા મળતા કોરોનાના કેસ અગાઉ જોવા મળેલા ઓમિક્રોન વેરિયન્ટનો જ એક પ્રકાર છે. જો કે, કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કેસોનો જીનોમ સિક્વન્સ રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. હોમક્વોરેન્ટાઈનમાં રહેલા લોકોને પણ શ્વાસ ચડવા સહિતનાં લક્ષણ દેખાય તો તરત હોસ્પિટલ ખસેડવાની સૂચના અપાઈ છે. માસ્કનો ઉપયોગ કરવા, હાથને સતત સેનેટાઈઝ કરવા સહિતની માર્ગદર્શિકાનું પાલન કરવા લોકોને સૂચના આપવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd