• બુધવાર, 21 મે, 2025

નાગોર : ખેડૂતો કંઇ સમજે ત્યાં ધડાકાભેર ડ્રોન તૂટયું

રાયધણપર (તા. ભુજ), તા. 10 : ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભુજ હવાઇ મથકથી માત્ર સાત કિલોમીટર દૂર નાગોર ગામની સીમમાં એક ખેતર વચ્ચે આજે બપોરે પાકિસ્તાની ડ્રોનને ધડાકાભેર ભારતીય દળે ફૂંકી માર્યું હતું. ભારત-પાકિસસ્તાન વચ્ચે શરૂ થયેલાં યુદ્ધના તણાવ વચ્ચે આમ તો ઘણી બધી જગ્યાએ સંદિગ્ધ ડ્રોન ઘૂસી આવ્યાના અને તોડી પાડયાના કિસ્સા બન્યા છે, પરંતુ નાગોર ગામની સીમમાં આજે અજાણ્યું ડ્રોન તૂટી પડવાની ઘટના જરા વધુ ગંભીર એટલા માટે છે કે, જ્યાં ડ્રોન તૂટી પડયું ત્યાંથી પાલારા સીમને અડીને ભુજ એરફોર્સનું હવાઇ મથક  માત્ર સાત કિલોમીટર દૂર છે. જો આ ડ્રોન પાકિસ્તાન  તરફથી પ્રેરિત કરવામાં આવ્યું હોય તો સીમાપારથી છેક  ભુજ એરફોર્સના આંગણે આવીને તૂટી પડવાની ઘટના સુરક્ષા તંત્રો માટે આંખ ઉઘાડનારી છે. આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ભુજથી 10 કિલોમીટરના અંતરે આવેલ નાગોર ગામની ઉત્તર દિશાના સીમાડે શનિવારની બપોરે 11.30 વાગ્યાના અરસામાં સખત ગરમી અને તડકાના માહોલમાં અમુક ખેતરોમાં ખેડૂતો કામ કરી રહ્યા હતા, ત્યારે 11.45 વાગ્યાના અરસામાં આકાશમાં અચાનક એક મોટા પક્ષી જેવું દેખાતું ડ્રોન દેખાયું હતું અને હજુ તો ખેડૂતો કંઇ જાણે, સમજે તે અગાઉ ખુલ્લા ખેતરમાં આ ડ્રોન ધડાકા સાથે તૂટી પડયું હતું અને તેનો કાટમાળ આસપાસ વિખેરાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ નાગોર ગામના જમનાબેન કાંતિલાલ હડિયા અને કાંતિલાલભાઇ નામના ખેડૂત દંપતીએ નજરે નિહાળ્યો હતો. તેમણે જણાવ્યું કે, ડ્રોન તૂટી પડવાની સાથે ધુમાડા દેખાયા હતા અને ગભરાવી નાખે તેવો અવાજ સંભળાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ નાગોર ગામના સરપંચ વસંતભાઇ જેરામભાઇ કાતરિયા વગેરે બનાવ સ્થળે પહોંચ્યા હતા અને અન્ય સુરક્ષા એજન્સીઓને જાણ કરી હતી. નાગોરના સીમાડે ડ્રોન તૂટી પડવાના સમાચાર મળતાં જ ગામલોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા, જ્યારે આર્મીના જવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. બોમ્બ ડિફ્યુઝ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ડ્રોન ક્યાંથી આવ્યું ? ડ્રોનના કાટમાળમાં શું મળ્યું ? ડ્રોન માત્ર રેકી કરવા આવ્યું હતું કે હુમલો કરવા આવ્યું હતું ? જો ડ્રોન પાકિસ્તાન દ્વારા મૂકવામાં આવ્યું તો ધોળા દિવસે છેક ભુજ હવાઇ મથક સુધી કેમ પહોંચી શક્યું ? વગેરે પ્રશ્નોના ઉત્તર હવે વધુ તપાસ પછી મળી શકે તેવી ધારણા છે. નાગોરના સરપંચ વસંતભાઇ કાતરિયાએ નાગરિકો વતી સાથ-સહકાર આપ્યો હતો. માધાપર પોલીસ મથકમાંથી સ્થાનિક બીટના નિર્મલસિંહ જાડેજા વગેરે વ્યવસ્થામાં જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd