• બુધવાર, 21 મે, 2025

માંડવીના સોહામણા બીચ પર સુવિધાનો અભાવ

કાઠડા, (તા. માંડવી), તા. 9 : ઉનાળુ વેકેશનની તારીખો જાહેર થઇ ગઇ છે, ત્યારે દેશભરમાં જાણીતા બનેલા માંડવીના સોહામણા બીચ ઉપર સહેલાણીઓ ઊમટશે, પરંતુ તેના માટે સવલતોમાં પાર્કિંગ અને બેસવા-ટહેલવા બાંકડાની ખાસ જરૂર છે. તે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાય તેવી માંગ ઊઠી હતી. કોઇ પણ કાર્યક્રમ કરવો હોય તો વધતા જતા વાહનના લીધે પાર્કિંગ વ્યવસ્થાને અગ્રતા અપાય છે, ત્યારે અહીં તો વેકેશનના સમયગાળામાં દેશ-વિદેશથી રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઊમટશે અને તેના માટે પ્રાથમિક સુવિધાની જરૂર રહે છે, જેથી આવતા વાહનો યોગ્ય સ્થળે રહી શકે, પરંતુ અહીં વાહનોની વ્યવસ્થા માટે કોઇ જ વ્યવસ્થિત પાર્કિંગ નથી. અગાઉ અહીં પાર્કિંગ કરાયું હતું, જ્યાં વિન્ડફાર્મ કંપની હસ્તગત જમીન હોતાં તે સ્થળે ગેટ લગાવીને જગ્યા બંધ કરી દેવાતાં અહીં પાર્કિંગની સમસ્યા ઉદભવે છે. જ્યાં ત્યાં પાર્કિંગ થતાં વાહનો રેતીમાં ફસાઇ જાય છે અને પછી આ રેતીમાંથી કાઢવા મુશ્કેલી થાય છે. વળી અન્ય  વાહન કે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી વાહનને ખેંચીને બહાર કઢાય છે, જેમાં પ્રવાસીઓ ખંખેરાય છે, જેથી સંબંધિત તંત્ર પાર્કિંગની વ્યવસ્થા કરે તે જરૂરી છે, તો બીજીતરફ અહીં આવતા પ્રવાસીઓ માટે કચ્છમિત્રના સહયોગથી બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરાઇ હતી, જે પણ તૂટ-ફૂટ થઇ ગયા છે. જેના લીધે બેસવાની પણ કોઇ વ્યવસ્થા નથી, તો અહીં બેસવા માટે પણ તંત્ર દ્વારા સુવિધા અપાય, તેવું સહેલાણીઓએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd