• ગુરુવાર, 01 મે, 2025

ગાંધીધામનાં સપનાનગરમાં 40 ઘર ગટરથી પીડિત

ગાંધીધામ, તા. 15 : ગાંધીધામના સપનાનગર-ડી. વિસ્તારમાં લગભગ બે મહિનાથી લોકો ગટરની સમસ્યાથી પીડાય છે. વહીવટી તંત્રે ધ્યાન ન આપતાં વિસ્તારની મહિલાઓ મહા નગરપાલિકાના સેનિટેશન વિભાગમાં પહોંચી હતી અને અહીં કર્મચારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી, જેના પગલે બપોર બાદ સુપરવાઇઝર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને થોડા જ દિવસમાં સમસ્યા હલ થઈ જશે, તેવી ખાતરી આપવામાં આવી હતી. સપનાનગરમાં નવી લાઈન નાખવામાં આવી છે, પણ હજુ સુધી તેમાં કનેક્શન અપાયાં નથી. જો કે, લોકોએ પોતે જ જોડાણ લેવાનું છે, પણ પર જોડાણના ભાવ વધારે કહેતાં વિસ્તારવાસીઓએ ગટરના જોડાણ કરાવ્યાં નથી. જૂની લાઇન કાર્યરત જ છે, પરંતુ લાઈન ચોક-અપ છે અને વિસ્તારના કોઈ એક વ્યક્તિએ જોડાણ લીધું હોવાથી જૂની લાઈનમાંથી ગટરનું પાણી વહન થતું નથી, તેના કારણે સમસ્યા વધુ વિકરાળ બની છે. એટલા માટે જ મહિલાઓ સેનિટેશન વિભાગમાં પહોંચ્યા હતા, ત્યાં રજૂઆત કરી હતી અને સુપરવાઇઝરે વિસ્તારની સમસ્યા સાંભળીને સ્થળ નિરીક્ષણ કર્યા પછી ટૂંક સમયમાં જ સમસ્યા હલ થઈ જવાની ખાતરી આપી હતી. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગનું માનીએ, તો અહીં ગટર લાઈન ઉપર દબાણ થઈ ગયાં છે, તેના કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. કર્મચારીઓએ લોકોને પણ ગટર લાઈન ખુલ્લી રાખવા માટે કહ્યું છે અને દબાણ વિભાગને પત્ર લખીને ગટર લાઈન ઉપરથી દબાણ હટાવવા માટે કહેવામાં આવશે, તેવું જવાબદારો કરી રહ્યા છે, પરંતુ લોકો બે મહિનાથી ગટરની સમસ્યાથી પીડિત છે. જૂની લાઈનની સાફ-સફાઈ કરવામાં આવે અથવા તો લોકોને સસ્તા ભાવે નવી લાઈનમાં કનેક્શન કરી આપવાની કોઈ વ્યવસ્થા ઊભી કરાય તે જરૂરી છે. હાલ તો ખાતરી આપવામાં આવી છે. હવે સમસ્યા ક્યારે હલ થાય છે તે જોવાનું રહ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd