• ગુરુવાર, 01 મે, 2025

ગાંધીધામ-આદિપુરના 60300 કરદાતા ઉપર 17.80 કરોડનો ટેક્સ નખાયો

ગાંધીધામ, તા. 15 : ચાલુ નાણાકીય વર્ષના 14 દિવસ પછી મહાનગરપાલિકાના ટેક્સ વિભાગમાં વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 31 માર્ચ બાદ ઈ-નગરમાં બિલ જનરેટ કરવા સહિતની કામગીરી થઈ રહી હતી, હવે  10 ટકા રિબેટ યોજના લાગુ કરવામાં આવતાંની સાથે જ કચેરીએ વેરો ભરપાઈ કરવા માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોના 60300થી વધુ કરદાતા ઉપર 17.80 કરોડનો ટેક્સ નાખવામાં આવ્યો છે. આ સાથે જ પાછલા 31.64 કરોડ સહિત કુલ માગણું 49.44 કરોડે પહોંચ્યું છે. ગત વર્ષમાં 19 કરોડની વેરા-વસૂલાત થઈ છે. અંતિમ માર્ચ મહિનામાં ત્રણ મિલકત સીલ કરવામાં આવી હતી. અને મોટા બાકીદારોને નોટિસ ફટકારીને  ટેક્સની વસૂલાત કરાઈ હતી. મહાનગરપાલિકાના આવકના કોઈ અન્ય સ્ત્રોત નથી, જો કોઈ મોટો સ્ત્રોત હોય તો તે વેરા વસૂલાત છે કે જેના થકી લગભગ 20 કરોડની આસપાસની આવકનો અંદાજ તંત્રને રહે છે.  આ ઉપરાંત 10થી 12  મોબાઈલ ઓપ્ટિકલ ફાઇબર, ટાઉનહોલનાં ભાડા અને અન્ય ફી તેમજ પરચુરણ આવક થાય છે. આવકના બીજા કોઈ મોટા વિકલ્પો ન હોવાથી નાણાકીય સમસ્યા ઊભી થઈ રહી છે નગરપાલિકા તો 50 કરોડથી વધુનાં દેવામાં ડૂબેલી હતી, પણ મહાનગરપાલિકામાં આવી સ્થિતિ ન આવે તે માટે અધિકારીઓ સતર્ક છે અને વસૂલાત ઉપર ધ્યાન આપી રહ્યા છે.  સરકારે ટેક્સ વધારો કરવાની ના પાડી હતી એટલે તેમાં કોઈ ફેરબદલ થયો નથી, પરંતુ આવકના સ્ત્રોત ઊભા કરવા માટે અન્ય વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે. - ઇ-નગરમાં સુધારા પછી  બિલની પ્રિન્ટ નીકળશે : ઇ-નગરમાં વેબસાઈટ દ્વારા નવો ટેક્સ દાખલ કરી દીધો છે અને બિલ પણ જનરેટ કરી દીધાં છે, પરંતુ મહાનગરપાલિકા બન્યા પછી અધિનિયમ સહિતની વિગતોમાં ફેરબદલ કરવો પડે છે તે થયો નથી. ટેક્સ વિભાગ દ્વારા વેબસાઈટના જવાબદારોને આ અંગે જરૂરી માહિતી આપી દીધી છે અને થોડા જ દિવસોમાં ફેરફાર પછી ટેક્સનાં બિલની પ્રિન્ટો કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ વર્ષે સંકુલના તમામ 60300 કરદાતા સુધી બિલ પહોંચે તે જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd