નખત્રાણા, તા. 15 : તાલુકાનાં અંતરિયાળ ખાંભલા
ગામે પ્રાચીન રબારી સમાજનાં કુળદેવી આઈ વાંકોલ માતાજી સ્થાનકે દૂર દૂરથી આવતા ભાવિક
ભક્તોની ભીડથી ધમધમતાં શક્તિ મંદિરે રૂા. સવા કરોડના ખર્ચે નૂતન મંદિર અને સંકુલનો
વિવિધ વિકાસ કરવા રબારી સમાજની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો. સંકુલનું નિર્માણકાર્ય
આગામી જેઠ માસની સુદ ચૌદસના પ્રતિ વર્ષની જેમ પતરી મહોત્સવ સંપન્ન થયા પછી હાથ ધરવામાં
આવશે, તેવું જણાવાયું હતું. સ્થાનકના ભુવાજી લાખા
ભોપાનાં અધ્યક્ષસ્થાને પેના ભોપા, જેશા ભોપા તથા `માકપટ'
રબારી સમાજના પ્રમુખ ખેંગારીભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં ભોપાઓ તથા
ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં નૂતન મંદિર સંદર્ભે ચર્ચાના અંતે 30 ફૂટ ઊંચાં, નકશીકામ જડિત કલાત્મક મંદિરનાં નિર્માણ માટે
નિર્ણય લેવાયો હતો. ભાવિક યાત્રીઓ માટે અન્નક્ષેત્ર, આરામની સુવિધા
વિકસાવવા નિર્ણયો લેવાયા હતા. મંદિર નિર્માણકાર્યની પ્રથમ જ મિટિંગમાં રૂા. 70 લાખની દાનની સરવાણી દાતાઓ દ્વારા
વહેવડાવવામાં આવી હતી. મંદિરકાર્યનાં નિર્માણ માટેના નિર્ણયને હીરા ભોપા, ચાંદાજી ભોપા, રાણા ભોપા,
વંકા ભોપા, સમાજ અગ્રણી વેલાભાઈ કમાભાઈ,
દેવા કાના રબારી, કરણભાઈ રબારી (સરપંચ ઉગેડી),
મંગલભાઈ રબારી, મંગલ વેલા, ગગુભાઈ રબારી, પરબત રબારી, વિરમભાઈ
તથા વાંકોલ માતાજી સેવા સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગગુ ભીમા રબારીએ
કર્યું.