ભુજ, તા. 27 : ભીમાસર-ધર્મશાળા રાષ્ટ્રીય
ધોરીમાર્ગની કામગીરી ચાલી રહી છે જે અંતર્ગત સુરલભિટ્ટ ચોકડી અને રેલવે ક્રોસિંગ પાસે
ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં કોન્ટ્રાકટર કંપનીની બેદરકારીનાં કારણે લોકોને
પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ
પરથી વાહનોને પસાર થવું પડે છે, પરંતુ
કંપની દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી. ઓવરબ્રિજની પશ્ચિમ બાજુની ખુલ્લી જગ્યામાંથી
વાહનો પસાર થઇ રહ્યાં છે. પૂર્વ બાજુના સર્વિસ રોડ પર તો કંપની દ્વારા કંઇ જ કામગીરી
કરવામાં આવી નથી, જેથી એક જ બાજુએથી વાહનો પસાર થતાં ટ્રાફિકજામ
સહિતની સમસ્યાઓ રોજિંદી બની ગઇ છે. ખાવડા બાજુથી આવતાં મીઠાનાં ટ્રેઇલરો અને અન્ય વાહનો
સાથે જ નાગોર પટ્ટાના ઢોરી, સુમરાસર, જવાહરનગર
સહિતના 50 ગામોનો ટ્રાફિક, તો ખાવડા-બન્ની પચ્છમનો બધો જ ટ્રાફિક આ એક
જ રસ્તેથી પસાર થતો હોઇ લોકોનું જીવન દુષ્કર થઇ ગયું છે. સુરલભિટ્ટ જેવા પવિત્ર ધર્મસ્થળ
પર જવું હોય તો આ એકમાત્ર રસ્તો હોઇ ભક્તો ખૂબ જ મુશ્કેલીથી ત્યાં પહોંચી શકે છે. ટ્રાફિકના
કારણે આજુબાજુના વેપારીઓના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ
હરાજીથી વેચેલી દુકાનો જેમણે લાખો રૂપિયા ખર્ચીને લીધી છે એમને માથે હાથ દઇ રોવાનો
વારો આવ્યો છે. જો બંને બાજુનો સર્વિસ રોડ સત્વરે શરૂ કરવામાં આવે તો સમસ્યા થોડાઘણા
અંશે હળવી થાય તેમ છે. ટેન્ડરમાં બંને બાજુ સર્વિસ લાઇન બનાવવાની જોગવાઇ હોવા છતાં
શા માટે નથી બનાવાઇ એનું પુછાણું લેવું જોઇએ તેવો સૂર વ્યક્ત થઇ રહ્યો છે. સર્વિસ રોડ
બનાવવાનો જ છે તો શા માટે લોકોને મહિનાઓ સુધી બાનમાં રાખીને હેરાન-પરેશાન કરીને બનાવવો
? ખરેખર તો ઓવરબ્રિજનું કામ શરૂ કરતાં પહેલાં બંને સાઇડના સર્વિસ રોડ
બનાવવા જોઇએ તેવું દેવરાજ મ્યાત્રાએ રજૂઆત
કરતાં જણાવ્યું હતું.