ભુજ, તા. 15 : વાગડ બે ચોવીસી સ્થાનકવાસી
જૈન વિશા શ્રીમાળી સમાજ દ્વારા દુબઈમાં વીબીસી ફર્સ્ટ ઈન્ટરનેશનલ બિઝનેસ સમિટનું આયોજન
ડબલ ટ્રી બાય હિલ્ટન હોટેલમાં કરવામાં આવ્યું હતું,
જેમાં વીબીસી સમાજનાં 18થી 35 વર્ષની વયમર્યાદાનાં
135 યુવક-યુવતી જોડાયાં હતાં. બિઝનેસ
સમિટનું દીપ પ્રાગટય ઉદ્યોગપતિ વિનોદભાઈ અદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક
પ્રવચનમાં શ્રી અદાણીએ આ ઉત્કૃષ્ઠ આયોજન બદલ વીબીસી સમાજના પ્રમુખ કીર્તિભાઈ સંઘવી, મહામંત્રી સંદીપભાઈ દોશી, દુબઈ સમાજના પ્રમુખ નીલાબેન દોશી સ્થાનિક દુબઈના અશોકભાઈ દોશી, યોગેશભાઈ દોશી તેમજ વીબીસી સમાજના તમામ હોદ્દેદારો, દુબઈના
સ્થાનિક કાર્યકરમિત્રોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, યુવા
પેઢીનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સમાજે આદરેલા સ્તુત્ય પ્રયાસ બિરદાવ્યાલાયક છે. તેમણે સફળતાના
પાઠ શીખવતાં યુવક-યુવતીઓને જણાવ્યું હતું કે, નિષ્ઠા,
ગંભીરતા અને સમયસર અથાગ પરિશ્રમ જીવનમાં ચોક્કસ સફળતા અપાવતો હોય છે.
મહામંત્રી સંદીપભાઈ દોશીએ શ્રી અદાણીનું સન્માન કરતાં જણાવ્યું કે, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં નામના ધરાવતું ગ્રુપ ખૂબ જ સેવાભાવી છે.
સમિટમાં વિવિધ ફિલ્ડના નિષ્ણાતે પોતાના અનુભવ દ્વારા યુવાનોને ધંધાની દૃષ્ટિને વિશાળ
બનાવવા પ્રેરક માર્ગદર્શન પૂરું પાડયું હતું. સમિટમાં જોડાયેલા યુવાનોનું અંગત મિટિંગ
કરી માર્ગદર્શન આપ્યું હતું. રિઝવાન આડતિયા જેમના 200થી વધારે મોલ છે અને 22 દેશમાં તેમનું નેટવર્ક છે, તેમણે પણ પોતાના અનુભવના આધારે શૂન્યમાંથી સર્જન
કરવા માટે પ્રેરણા આપી હતી. દુબઈ મહાજનનાં પ્રમુખ નીલાબેન દોશી, દુબઈ મહિલા મંડળનાં પ્રમુખ કલાબેન દોશી, યોગેશભાઈ દોશી,
અશોકભાઈ દોશી, મેહુલભાઈ મહેતા સહિત દુબઈના સભ્યો
આયોજન માટે સહયોગી બન્યા હતા. પ્રમુખ કીર્તિભાઈ સંઘવી, ઉપપ્રમુખ
હસમુખભાઈ મોરબિયા તથા મહેશભાઈ મહેતા, સહમંત્રી ડો. રમેશભાઈ દોશી
તથા ચંદુભાઈ સંઘવી, ખજાનચી જીતુભાઈ ખંડોલ તેમજ કારોબારી સભ્યોએ
વ્યવસ્થા સંભાળી હતી.