ભુજ, તા. 15 : મૂળ માધાપર અને હાલ યુકે સ્થિત
દાતા રામજીભાઈ વાગડિયા દ્વારા પિતાના આત્મશ્રેયાર્થે
ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે નેત્ર કેમ્પ યોજાયો હતો,
જેમાં 99 દર્દીનાં
નિ:શુલ્ક ઓપરેશન કરાયાં હતાં. પિતા સ્વ. ધનજીભાઈ નારણભાઈ વાગડિયાના આત્મશ્રેયાર્થે
અને માતા ગં. સ્વ. હીરબાઈ ધનજીભાઈ વાગડિયાના આશીર્વાદથી દાતા રામજીભાઈ ધનજીભાઈ વાગડિયા
અને અમૃતબેન રામજીભાઈ વાગડિયા પરિવારે લાયન્સ હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત
થઈ આ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પ માટે કચ્છના અલગ - અલગ ગામોમાં હોસ્પિટલની
ટીમ દ્વારા આંખોનું ચેકઅપ કર્યા બાદ ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતાં તેઓને લાયન્સ હોસ્પિટલ
ખાતે ઓપરેશન માટે બોલાવાયા હતા. આજના કાર્યક્રમમાં
સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ માધાપર મેઈનના પ્રેસિડેન્ટ શક્તસિંહ જાડેજાએ કર્યું હતું, હોસ્પિટલના ચેરમેન ડો. ભરત મહેતા (પીએચડી)એ
હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી, લાયન્સ ક્લબ ભુજના
પ્રેસિડેન્ટ અજિતસિંહ રાઠોડ, સેક્રેટરી વિપુલ જેઠી, શૈલેશ માણેક, મનસુખ શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે હોસ્પિટલની
પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી, શાલ સહિત સ્વાગત
કરાયું હતું. આભારવિધિ વિપુલ જેઠી,
સંચાલન ચેતન ચૌહાણે કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ હોસ્પિટલ આંખના 200થી વધુ ઓપરેશન કેમ્પ પૂર્ણ કરી ચૂકી છે, જેમાં 41 હજારથી વધુ દર્દીઓનાં મોતિયા
તેમજ વેલનાં સફળ ઓપરેશન કરવામાં આવ્યાં છે. અમદાવાદના નિષ્ણાત ડો. સચિન પટેલ કે જેઓ
એક લાખથી વધુ દર્દીનાં ઓપરેશન કરી ચૂક્યાં છે, તેઓ આ ઓપરેશનો માટે લાયન્સ હોસ્પિટલમાં અવિરત સેવા આપી રહ્યા છે. તેઓએ ગુજરાતના
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની પણ બંને આંખનાં મોતિયાનાં ઓપરેશન કર્યાં છે.