• શુક્રવાર, 28 માર્ચ, 2025

ગંગોણ વિસ્તારના વગડાને લાગ્યો કેસરિયો રંગ

ઉમર ખત્રી દ્વારા : વિરાણી (મોટી તા. નખત્રાણા), તા. 4 :  કચ્છમાં કુદરત મહેરબાન હોય તો કચ્છની અસલ પ્રકૃતિઓ ખીલી ઊઠે. ઋતુ પ્રમાણે કચ્છની આબોહવા જો લહેરખી બક્ષે, તો કચ્છની પ્રકૃતિ ધન્ય ધન્ય થાય રંગોનો પર્વ એવો હોળીના તહેવારનાં આગમનની છડી પોકારતો કેસરવંતો કેસૂડો પશ્ચિમ કચ્છના સીમાડામાં મનમૂકીને ખીલી ઊઠતાં વનવગડાની શોભા નિખરી ઊઠી છે. હોળીની વધામણી લઈને આવતા કેસૂડાના ફૂલ પશ્ચિમ કચ્છના વિસ્તારમાં સોળે કળાએ ખીલી ઉઠયાં છે. ફૂલોનો રાજા ગણાતો કેસુડો, ખાસ કરીને હોળીના નજીકના દિવસોમાં ખીલી ઊઠે છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંતઋતુમાં ખાખરે કેસૂડો જોવા મળે છે. જેનાં કારણે પ્રકૃતિમાં નિખાર આવ્યો છે ત્યારે નખત્રાણા પંથકનાં ગંગોણના ડુંગરાળ વિસ્તારના નદીપટમાં અને વગડામાં કેસૂડા મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કચ્છમિત્રને માહિતી આપતા વિરમ મેરિયા (ગંગોણ)એ કહ્યું હતું કે, આ વર્ષે નખત્રાણા તાલુકાના ગંગોણ, મોસુણા, વિભાપર સહિતના વિસ્તારમાં ઠેર ઠેર કેસૂડાના ઘટાદાર વૃક્ષો પર કેસૂડાનાં ફૂલો દ્વારા જાણે કેસરી ચાદર ઓઢી હોય એમ જણાઈ રહ્યું છે. સારા વરસાદ બાદ આ વિસ્તારમાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી ઊઠે છે તેમ આ વખતે તો કેસુડાનાં વૃક્ષો  પણ પૂરબહારની સંખ્યા ખીલીને ફાગણિયો રાગ ગાઈ રહ્યા છે.  વસંતની શરૂઆત થતાં કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે અનુભવીઓ કહે છે કેગ્રામ્યકક્ષાએ કેસૂડાનાં ફૂલોનું વિશેષ મહત્ત્વ હોય છે. તેનાં ફૂલ, પાન અને કલરનો ઔષધિય ઉપયોગ પણ કરી શકાય છે. અગાઉ હોળીના તહેવારમાં આ ફૂલનો ઉપયોગ રંગો બનાવવા માટે થતો હતો. લોકો હોળીના ઘણા દિવસો પહેલાં આ સુંદર કેસરી ફૂલોને પાણીમાં પલાળીને રંગો બનાવવા માટે ઉકાળતા અને આ રંગથી હોળી રમવામાં આવતી હતી, પરંતુ હવે બજારમાં તૈયાર અને પાકા રંગો મળતા હોઇ કેસુડાના રંગોથી હોળી રમવાનું ભુલાઇ રહ્યું છે. કેસૂડાને ગરમ પાણીમાં ઉકાળીને તેનાથી જો હોળી રમાય, તો ચામડીને નુકશાન નહીં પણ લાભદાયી છે. હાલમાં બજારમાં મળતા કેમિકલયુક્ત કલરથી શારીરિક નુકસાન સાથે પૈસાનો પણ બગાડ થાય છે, જ્યારે કેસૂડાના ફૂલોના રંગોથી હોળી રમાય, તો નાણાના બચાવ સાથે ચામડીમાં પણ ફાયદાકારક છે. કેસૂડાના ઝાડનાં ફૂલો અને બીજમાંથી દવાઓ બનાવવામાં આવે છે. ખારાશયુક્ત વાતાવરણમાં ઊગતા કેસૂડાનાં ફુલો પર ઘણા આયુર્વેદ સંશોધનો થઇ ચુક્યાં છે, જેમાં ચર્મરોગ, અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સૂકા કેસૂડાનાં ફુલોથી સ્નાન કરાવવાથી લૂ, શરદી, તાવ અને ચામડીના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. શહેરોમાં નહિવત્ જોવા મળતા આ ફૂલો ગ્રામ્ય વિસ્તારના સીમાડામાં પોતાનુ આધિપત્ય જમાવી બેઠા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd