ભુજ, તા. 6 : માનવસેવા એ
જ પ્રભુસેવાના સૂત્રને સાર્થક કરતી ભુજની મહાવીર ખીચડીઘર સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિને
સફળતાપૂર્વક 26 વર્ષ પૂર્ણ થયાની ખુશી સાથે વધુમાં વધુ લોકસેવાનાં કાર્યો કરવાની નેમ
સંસ્થાના અગ્રણીઓએ વ્યક્ત કરી હતી. લોકસેવાના ભાગરૂપે સંસ્થા દ્વારા આચાર્ય વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી
મ.સા.ના 100મા વર્ષની જન્મ શતાબ્દી નિમિત્તે પિતા સી. ડી. મહેતાની સ્મૃતિમાં માતૃશ્રી
કંચનબેન સી. ડી. મહેતા પરિવાર (મૂળ ભચાઉ)ના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ તા. 8/12 રવિવારે
સવારે 9થી 2 વાગ્યા સુધી બોર્ડિંગ હોલ - કચ્છમિત્ર પાસે ભુજ ખાતે યોજાશે જે અંગે માહિતી
માટે દિનેશ મહેતા - 98792 07196, નયન પટવા - 98252 98354, અશોક લોદરિયા - 94290
83210નો સંપર્ક કરવો. ભૂકંપ પહેલાં વર્ધમાન જૈન બોર્ડિંગના ગ્રાઉન્ડમાંથી સ્વ. જયેન્દ્રભાઈ
લોદરિયા, સ્વ. રમણીકલાલ પટવા, સ્વ. સ્વરૂપચંદભાઈ મહેતા, સ્વ. મણિલાલભાઈ વોરા દ્વારા
શરૂ કરાયા બાદ તેમના પૂત્રોએ સેવાને આગળ ધપાવી હાલમાં દિનેશ મહેતા, નયન પટવા, અશોક
લોદરિયા, રજનીભાઈ ભણસારી, રસીકભાઈ સંઘવી, નીતિન મહેતા, ડો. જિજ્ઞેશભાઈ ઠક્કર, ડો. જાનકીબેન
ઠક્કર, ડો. આશના ગોર, રોહિતભાઈ વોરા સેવાકાર્યોમાં પ્રવૃત્ત છે. ધરતીકંપ બાદ રિલોકેશન
સાઈટમાં ગરીબોને ભોજનથી શરૂઆત કરાઈ હતી. ધીમેધીમે સેવાનો વ્યાપ વિસ્તરતો ગયો. વર્ષ
2010માં સંસ્થા દ્વારા મેડિકલ સેન્ટર - દવાખાનું વી. ડી. હાઈસ્કૂલ સામેના સંકુલમાં
શરૂ કરાયું. દિવસોદિવસ મોંઘા થતા જતા આરોગ્યલક્ષી ખર્ચ સામે દર્દીઓની સાથે તેમના પરિજનોને
રાહત મળે તે માટે માત્ર રૂા. 10ના ટોકનચાર્જથી
દર્દીઓની તપાસ કરાય છે. લગભગ 100થી 120 દર્દી ઓપીડીમાં નોંધાય છે. અત્યાર સુધી ટોકનદરે
લગભગ સવા ત્રણ લાખ લોકોએ અહીં તપાસ કરાવી છે. છેલ્લા આઠ વર્ષમાં લગભગ 17 જેટલા નિદાન
- સારવાર કેમ્પ તથા હૃદયરોગ નિવારણ કેમ્પ, બ્લડગ્રુપ તપાસ, ડાયાબિટીસ, થાઈરોઈડ, કોલેસ્ટેરોલ
વિ. માટે રાહતદરે નિદાન, લેબોરેટરી રિપોર્ટિંગ સહિત નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યા
છે. જેનો અંદાજિત 3000 જેટલા લોકોએ લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્થાની
તમામ આરોગ્ય સેવાઓમાં અમદાવાદના સેવાભાવી તબીબ કાર્ડિયોલોજિસ્ટ ડો. ધવલ દોશીનો સહયોગ
રહ્યો છે. સંસ્થા દ્વારા થોડા સમય પહેલાં દાતા ગુણવંતીબેન દલીચંદ મહેતાના સહયોગથી ફિઝિયોથેરાપી
સેન્ટર માત્ર બહેનો માટે શરૂ કરાયું છે. માત્ર ટોકનદરે સેવા ઉપલબ્ધ છે. અત્યાર સુધી
લગભગ 3000 બહેનોએ આ સેવાનો લાભ લીધો છે. સંસ્થા દ્વારા માત્ર આરોગ્ય સેવા જ નહીં ઉનાળામાં
નિ:શુલ્ક છાસ કેન્દ્ર, દરરોજ 24 કલાક પાણીની પરબ, અત્યાર સુધી ગરીબોને અંદાજિત
10,000 ધાબળાનું વિતરણ તેમજ પક્ષીઓને ચણ તેમજ જીવદયાની પ્રવૃત્તિ પણ અવિરત કરાય છે.
લગભગ સવાત્રણ લાખ લોકોનો જઠરાગ્નિ ઠારવાનું કામ પણ ઉલ્લેખનીય છે. સંસ્થાનું નોંધપાત્ર
પાસું એ છે કે આમાં કોઈ હોદ્દેદાર નથી પણ તમામ
કાર્યકર તરીકે સેવારત રહે છે. ઉપરાંત ક્યારેય દાન માટે પણ ટહેલ નખાઈ નથી. સંસ્થા ખાતે
સવારે 9:30થી 1:30, બપોરના 4:30થી 7:30 દવાખાનું તથા ફિઝિયોથેરાપી સેન્ટર નિયમિત ચાલુ
રહે છે. 24 કલાક ફિલ્ટર પાણીની પરબ પણ ચાલુ રહે છે. ડો. જાનકીબેન ઠક્કર તેમજ ડો. આશના
ગોર સેવા આપી રહ્યાં છે. વધારામાં રાત્રે 8થી 12 પણ ક્લિનિક ચાલુ રાખવા માટે સંસ્થાના
અગ્રણી દ્વારા વિચારણા ચાલી રહી છે.