ગાંધીધામ, તા. 5 : રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારીની કામગીરી
સરળતાથી થઈ શકે તે માટે સમયાંતરે નગરપાલિકાઓને વિવિધ સાધનોની ફાળવણી કરવામાં આવે છે.
તાજેતરમાં મહાનગરપાલિકા બનવા તરફ જઈ રહેલી ગાંધીધામ પાલિકા દ્વારા હજુ કોઈ
નિર્ણય લેવાયો નથી. જો કે પાલિકાના તંત્રવાહકો તુરંતમાં આ વાહનો દોડાવાશે તેવું જણાવી
રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ દિવાળી પહેલા રાજય સરકાર દ્વારા ગાંધીધામ સુધરાઈને
સ્વચ્છતા અંગેની કામગીરી સરળ અને ઝડપી બને
તે માટે
ટ્રેકટર, ટ્રોલી સહિતના વાહનોની ફાળવણી કરવામાં આવી હતી. કુલ ચાર ટ્રેકટર ફાળવાયા
હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ટ્રેકટરો આવી ગયા તેને ઘણો સમય થઈ ગયો હોવા છતાંય
તેના ઉપયોગ અંગે નિર્ણય લેવાતો નથી. હાલ આ તમામ વાહનો પાલિકા કચેરી સામે આવેલા પ્લોટમાં
પડયા છે. જો તુરંત આ વાહનો દોડાવવામાં આવે તો
ઘન કચરા નિકાલ સહિતની કામગીરી ઝડપી બને. દરમ્યાન આ અંગે પાલિકાના સત્તાવાર સાધનોનો
સંપર્ક સાધતાં તેમણે ચાર ટ્રેકટર સરકાર દ્વારા
ફાળવાયા હોવાનું જણાવી પાસીંગ સહિતની કામગીરી બાકી હોવાનુ અને પખવાડીયા પહેલાં ખરીદી
કરાઈ હોવાનું જણાવ્યું હતું. પાસિંગની કામગીરી પુરી થઈ ગયા બાદ
વિવિધ વોર્ડમાં કામગીરી માટે આ વાહનો દોડાવવામાં આવશે તેવું ઉમેર્યું હતું.