• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

સેવા-શિસ્ત-સમર્પણ માટે ગૃહરક્ષક દળ કટિબદ્ધ

કુલદીપ દવે દ્વારા : ગાંધીધામ, તા. 5 : સેવા, શિસ્ત અને સમર્પણ  માટે ગૃહરક્ષક દળ કટિબદ્ધ હોવાની નેમ  વ્યક્ત પૂર્વ કચ્છ કમાન્ડન્ટે ગૃહરક્ષક દળ દિવસના ઉપલક્ષમાં વ્યકત કરી હતી. આગામી દિવસોમાં  પૂર્વ કચ્છમાં ગૃહરક્ષક દળ (હોમગાર્ડ)નું સંખ્યાબળ વધશે. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં છ સ્થળે નવાં યુનિટની સ્થાપના કરવા હિલચાલ  ચાલતી હોવાની વિગતો સાંપડી હતી. 6 ડિસેમ્બર, 1947માં આ દળની સ્થાપના થઈ હતી. આ દળના જવાનો પોલીસની સાથોસાથ લોક સુરક્ષાના અનેક  કાર્ય કરે છે. લોક કે સામાજિક ઉત્સવમાં યોગદાન આપવા સાથે કોમી રખમાણો સહિતની વિપરીત પડકારજનક સ્થિતિમાં પણ આ દળના જવાનોએ ફરજ અદા કરવામાં પાછીપાની નથી કરી. આ ઉપરાંત ગૃહરક્ષક દળના જવાનો બોર્ડર વિંગ વિભાગ હેઠળ  સરહદનું  રખોપું કરી રહ્યા છે. હોમગાર્ડ દિવસના ઉપલક્ષમાં પૂર્વ કચ્છના જિલ્લા કમાન્ડન્ટ ભૂમિતભાઈ વાઢેરે જણાવ્યું  હતું કે, કાયદાના રક્ષકોની સાથે ખભેખભા મિલાવી અમારા દળના જવાનો પોતાનો ફાળો આપી રહ્યા છે. શ્રી વાઢેરની નિમણૂક બાદ કામગીરીનો અહેવાલ આપતાં જણાવ્યું હતું કે  2001ના વિનાશક ભૂકંપ બાદથી અંજાર યુનિટની કચેરી કન્ટેનરમાં ચાલતી  હતી. હાલ હંગામી ધોરણે પાકાં મકાનમાં સ્થળાંતર થઈ છે. વધુમાં ભચાઉ યુનિટ પણ પાકી ઈમારતમાં ધમધમતું થયું છે. જવાનો શારીરિક રીતે મજબૂત બને, તણાવ દૂર થાય તે માટે તાજેતરમાં જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નોંધપાત્ર  પ્રદર્શન કરનારા ખેલાડીઓએ   રાજ્યના રમતોત્સવની પ્રતિયોગિતામાં પૂર્વ કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભવિષ્યનાં આયોજન ઉપર પ્રકાશ પાડતાં તેમણે કહ્યું હતું કે, પૂર્વ કચ્છમાં હોમગાર્ડ જવાનોનું સંખ્યાબળ  વધારવા માટે  કવાયત હાથ ધરવામાં આવશે. આગામી 1 મહિનામાં   300થી વધુ જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. નવી ભરતી સાથે   પૂર્વ કચ્છમાં  સંખ્યાબળ 560નું બનશે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ,  કંડલા, સામખિયાળી, અંજાર તાલુકાના ભુવડ અને રતનાલ, ધોળાવીરામાં નવાં યુનિટ સ્થાપવા પ્રયાસો ચાલી રહ્યા છે. નવાં યુનિટની સ્થાપના સાથે જવાનોની હાજરી થકી  જે-તે વિસ્તારના લોકો સુરક્ષાનો અનુભવ કરશે. ગાંધીધામમાં સરકારી ગેસ્ટહાઉસ પાસે ગૃહરક્ષક દળની કચેરી માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ સ્થળે અદ્યતન ઈમારત બાંધકામની  પ્રક્રિયા પણ ગતિમાં છે. નજીકના ભવિષ્યમાં અમારી કચેરીની નવી ઈમારત આકાર લેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd