• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

જમનામા સ્પોર્ટસ ક્લબની પ્રવૃત્તિને બિરદાવતા ભાઈશ્રી

અંજાર, તા. 12 : અંજાર  તાલુકાના નગાવલાડિયા ખાતે જમનામા સ્પોર્ટસ ક્લબ આયોજિત વૂમન પ્રીમિયર લીગ માટે આયોજિત પ્રેક્ટિસ કેમ્પ દરમ્યાન ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મુલાકાત લઈને તાલીમ મેળવનાર દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. આ વેળાએ સહકારી મંડળીને 25 વર્ષ પૂર્ણ થતાં વિવિધ સુવિધાઓનું પણ  લોકાર્પણ કરાયું હતું. જમનામા સ્પોર્ટસ ક્લબના નેજા હેઠળ નગાવલાડિયાના સરપંચ  દેવઈબેન અરજણભાઈ કાનગડ દ્વારા આગમી વર્ષ 2025માં મહિલાઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાશે. આ માટે પાંચદિવસીય પ્રેક્ટિસ કેમ્પ દરમ્યાન ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ દીકરીઓને આશીર્વચન આપતાં કહ્યું હતું કે, બહેનો  ઘરમાં રોટલી બનાવવા માટે વેલણ અને કપડાં ધોવા માટે ધોકાનો ઉપયોગ કરે છે, આજના જમાનામાં વેલણ અને ધોકાથી આગળ  હવે બેટ ઉપાડવા સુધી પહોંચી છે, ત્યારે આ આયોજન બદલ તેમણે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે દેવઈબેન  દ્વારા મહિલાઓના ઉત્થાન માટે કરેલા પ્રયાસોને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ  આયોજન બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ વેળાએ પ્રેક્ટિસ મેચનો ભાઈશ્રીના હસ્તે ટોસ ઉછાડી આરંભ કરાયો હતો, જેમાં નીલગીરી ટીમ અને સામેશ ટીમ વચ્ચેની મેચમાં સામેશ ટીમ વિજેતા બની હતી. વર્ષ 2025માં રમાનારી ટૂર્નામેન્ટમાં 16થી વધુ ટીમ ભાગ લેશે.  ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને બહાર લાવી તાલીમ આપવાના હેતુથી  આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. માત્ર જે બહેનોને ક્રિકેટ રમતા આવડે છે તેઓ જ નહીં જેને નથી આવડતું તેવી વાડીવિસ્તારની દીકરીઓ પણ આ કેમ્પમાં જોડાઈ છે. દરમ્યાન સહકારી મંડળીને 25 વર્ષ પૂર્ણ થતાં સહકાર કુટિરનું પણ ભાઈશ્રીના હસ્તે  ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં એ.ટી.એમ. સહિતની સુવિધા પણ વિકસાવવામાં  આવી છે. સહકારી મંડળીમાં ખેડૂતોને ઝીરો ટકાએ પાક ધીરાણ, વિદ્યાર્થીઓને શિક્ષણ લોન, બચતને પ્રોત્સાહન, પશુપાલકોને યોગ્ય વળતર, માઈક્રો એટીએમની  સુવિધાથી ગામમાં 24 કલાક બાંકિંગ સુવિધા  ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વેળાએ અરજણભાઈ કાનગડ,  દેવઈબેન કાનગડ, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, કચ્છ મચ્છોયા આહીર સમાજના પ્રમુખ  તેજા રામ કાનગડ, શંભુભાઈ મ્યાત્રા, રાધુભાઈ ડાંગર વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હર્ષાબેન ચોથાણીએ સંભાળ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang