• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

રણોત્સવ કચ્છની આન બાન અને શાન...

ભુજ, તા. 18 : ક્ચ્છના પ્રવાસનના સુરજને મધ્યાહને પહોંચાડનાર રણોત્સવનું વધુ સુચારુ અને સગવડભર્યું આયોજન થાય અને પ્રવાસન સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ એક મંચ પર ભેગા થાય એ આશયથી ક્ચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની એક અગત્યની બેઠક ભુજની હોટેલ લા કાસા ખાતે મળી હતી. આ બેઠકમાં હોટલ એસોસિએશન, હેન્ડીક્રાફ્ટ એસોસિએશન, ટુર ઓપરેટર એસોસિએશન ઈન કચ્છ, ટેક્ષી એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન, હોમ સ્ટેના ધંધાર્થી ભાઈઓ, ગાઈડ એસોસિએશન તથા રેસ્ટોરન્ટ એસોસિએશનના સભ્યો તેમજ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર યુવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનાસિંહ જાડેજાએ  જણાવ્યું હતું કે રણોત્સવ યોજવા માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે એટલે કોઈ પણ ભ્રામક વાતોમાં કોઈએ ભરમાવું નહીં. રણોત્સવના આયોજન બાબતે તમામ સુચનો આવકાર્ય છે અને આવા તમામ સુઝાવો પર સંગઠનના સભ્યો અને સૌ જનપ્રતિનિધિઓ સાથે મળીને સરકારને યોગ્ય રજુઆત કરશે. ધોરડો ગામના સરપંચ અને બન્નીના સામાજીક અગ્રણી મિયાંહુશેનભાઈ મુતવાએ જણાવ્યું હતું કે રણોત્સવ એ ક્ચ્છની આગવી આન, બાન અને શાન છે. ક્ચ્છની સંસ્કૃતિ અને અસ્મિતા રણોત્સવ સાથે વણાયેલી છે ત્યારે વર્ષોવર્ષ આ આયોજન શ્રેષ્ઠ અને સુચારુ બની રહે એ જોવું આપણા સૌની સહિયારી ફરજ છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ કહ્યું હતું કે ભુજ શહેર હંમેશની માફક આ વર્ષે પણ પ્રવાસી મહેમાનોને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.  સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પણ તેમના ટેલિફોનિક સંદેશ દ્વારા રણોત્સવના આયોજન બાબતે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા ન રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું અને ટુંક સમયમાં જ રણોત્સવનું વિધિવત શિડ્યુઅલ જાહેર થઈ જશે એવી વિશ્વાસભેર ખાતરી આપી હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ક્ચ્છના પ્રવાસનને વધુ ગતિમાન બનાવવાના કોઈ પણ વિષય પર સહયોગી બનવાની ખાતરી આપી તેમણે કરેલ પત્રવ્યવહારની વિગતો પણ પૂરી પાડી હતી.  કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે જટુભા રાઠોડ તથા મહામંત્રી તરીકે વિજયભાઈ સોનીની નિયુક્તિ કરાઇ હતી.. નવનિયુક્ત અધ્યક્ષ જટુભા રાઠોડે જણાવ્યું હતું કે રણોત્સવ અને ક્ચ્છના પ્રવાસનને ચાર ચાંદ લગાવવા માટે એસોસિએશન તરફથી વિવિધ બાબતો પર જે તે વિષય અન્વયેના સંબંધિત વિભાગોને રજુઆત કરીને તેઓની સાથે સુયોગ્ય સંકલન કરવામાં આવશે. અગાઉ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી જેના લીધે કચ્છ સહીત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. કવિઓ જૈન મહાજનના પ્રમુખ જીગરભાઈ છેડા, સાત્વિકદાન ગઢવી, પરમભાઈ ઠક્કર (હોટલ પ્રિન્સ), વિનયભાઈ રેલોન, સલામભાઈ હાલેપોત્રા, પંકજભાઈ શાહ (કચ્છ ક્રાફ્ટ કલેક્ટિવ),મહેશભાઈ ગોસ્વામી (એલએલડીસી), અંશુલભાઈ વચ્છરાજાની (હેલી ટ્રાવેલ્સ), અંકિતભાઈ જેઠી (બ્લોગર્સ) વગેરે અગ્રણીઓએ પોતાનું પ્રેરક ઉદબોધન આપ્યું હતું. બેઠકમાં જીલ્લા ભાજપ ઉપાઘ્યક્ષ શીતલભાઈ શાહ, યુવરાજ પ્રતાપાસિંહજી જાડેજા, કુંવર ઈંદ્રજીતાસિંહ જાડેજા, અજયદાન ગઢવી, નિવૃત ડીવાયએસપી દિલીપભાઈ અગ્રાવત સાહેબ, માંડવી હોટલ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સોલંકી, જી. એસ. રાવત તેમજ વીરાભાઈ આલાભાઈ મારવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હેમલભાઈ માણેક, વિજયભાઈ સોની, રાજનભાઈ ઠક્કર અને સાત્વિકદાન ગઢવીએ જહેમત ઉઠાવી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang