ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતનાં
ક્વેટા શહેરમાં રવિવારે રેલવે ટ્રેકની નજીક ભીષણ આત્મઘાતી હુમલો કરાયો હતો, જેની ચપેટમાં
જાફર એક્સપ્રેસ ટ્રેન આવી ગઈ હતી. આ હુમલામાં 30 લોકોનાં મોત થયાં હતાં, તો 82 ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે, ટ્રેનના ઘણા ડબ્બા
પાટા પરથી ઊતરી પડયા હતા અને મમન ફાટક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધડાકા બાદ રેલવે
ટ્રેક પર આગ લાગી ગઈ હતી. અગ્નિશામક દળ, પોલીસ સુરક્ષાદળના જવાનો તરત ધસી ગયા હતા અને
રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ધડાકાથી આસપાસની ઈમારતોની
બારીઓના કાચ તૂટી ગયા હતા. કોઈ સંગઠને તરત હુમલાની જવાબદારી લીધી નહોતી. સુરક્ષા એજન્સીઓ આ જીવલેણ ધડાકાને આતંકવાદી હુમલાનું
કૃત્ય માનીને તપાસ કરી રહી છે. ખાસ જાણવા જેવી વાત એ છે કે, જાફર એક્સપ્રેસ ટ્રેન જે
વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યાં બલુચ લિબરેશન આર્મીનો દબદબો છે. વીતેલાં વર્ષે, બલુચ
લિબરેશન આર્મીએ જાફર એક્સપ્રેસનું અપહરણ કરી લઈને દાવો કર્યો હતો કે, તેમણે 30 પાક સૈનિકોની હત્યા કરી છે.