• સોમવાર, 25 મે, 2026

બદ્રીનાથમાં ગ્લેશિયર તૂટતાં ગભરાટ

નવી દિલ્હી, તા. 24 : બદ્રીનાથ ધામ પાસે કંચનગંગામાં પર ગ્લેશિયર તૂટતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોઈ નુકસાન થયું નથી. જો કે, ઉનાળામાં ભારે બરફવર્ષા અને બદ્રીનાથ ધામ પાસે ગ્લેશિયર તૂટવા જેવી ઘટનાઓ કુદરતના ક્રમમાં બદલાવ અને તેમને લીધે ગંભીર પરિણામોની ચિંતા જગાવે છે. ચમોલીના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુરજિતાસિંહ પંવારે જણાવ્યું કે, સ્થાનિક પ્રશાસન સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. પર્યાવરણ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હિમાલય વિસ્તારમાં બરફવર્ષાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થતી ભારે બરફવર્ષાની જગ્યાએ હવે માર્ચ અને એપ્રિલમાં વધુ બરફ પડી રહ્યો છે. તેનો સીધો પ્રભાવ પહાડોના વોટર બેંક કહેવાતા ગ્લેશિયરો પર પડી રહ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હિમાલયમાં શિયાળાની સરખામણીએ ઉનાળામાં વધુ બરફવર્ષા થવાનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આવેલી અસમાનતા છે. શિયાળામાં પશ્ચિમી વિક્ષોભ નબળો પડતાં વરસાદ અને બરફવર્ષામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે ઉનાળામાં તે સક્રિય થતાં કસમયની બરફવર્ષા, ભારે વરસાદ, કરા અને કુદરતી આપત્તિઓનો ખતરો અનેકગણો વધી ગયો છે. વાડિયા સંસ્થાનના વૈજ્ઞાનિક ડો. પંકજ ચૌહાનના જણાવ્યા પ્રમાણે બાગેશ્વરના પિંડારી અને કફની ગ્લેશિયરની જેમ સમગ્ર મધ્ય હિમાલય હાલમાં આ જ ઋતુપરિવર્તનનો સામનો કરી રહ્યો છે. આંકડાઓ મુજબ પિંડારી અને કફની ગ્લેશિયર વિસ્તારમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં સૌથી વધુ 158 સેન્ટીમીટર બરફ પડયો છે, જ્યારે માર્ચમાં 84 સેન્ટીમીટર બરફ નોંધાયો હતો. તેની સામે જાન્યુઆરીમાં માત્ર 96 સેન્ટીમીટર બરફ પડયો હતો અને ડિસેમ્બરમાં માત્ર ઊંચા વિસ્તારોમાં ચાર જ વખત હળવી બરફવર્ષા થઈ હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માર્ચ અને એપ્રિલમાં તાપમાન વધુ હોવાના કારણે બરફ જેટલી ઝડપે પડે છે ,એટલી જ ઝડપે પીગળી પણ જાય છે. જેના કારણે ગ્લેશિયરો અંદરથી નબળા પડી રહ્યા છે. ભવિષ્યમાં આ સ્થિતિ જળસ્ત્રોતોને અસર કરી શકે છે અને મોટી કુદરતી આપત્તિઓને આમંત્રણ આપી શકે છે. પર્યાવરણવિદ અને પદ્મવિભૂષણ ડો. અનિલ જોશીના જણાવ્યા મુજબ હવામાનના આ બદલાતા પેટર્નથી કૃષિ, પર્યટન અને હોર્ટિકલ્ચર ક્ષેત્રોને ગંભીર અસર થશે. જેના કારણે ખાદ્ય સુરક્ષાનું સંકટ ઊભું થઈ શકે છે અને અનાજના ભાવોમાં પણ વધારો થવાની શક્યતા છે.  

Panchang

dd