નવી દિલ્હી, તા. 24 : આફ્રિકી દેશોમાં ગતિભેર ફેલાઈ
રહેલા ઈબોલા વાયરસના સંક્રમણને ગંભીરતાથી લેતાં ભારત સરકારે રવિવારે હાઈએલર્ટ જારી
કર્યું હતું અને વધુ એકવાર એડવાઈઝરી જારી કરી હતી. એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને યુગાંડા,
કોંગો અને દક્ષિણ સુદાનની યાત્રા નહીં કરવાની સલાહ અપાઈ હતી. દરમ્યાન, વિશ્વ આરોગ્ય
સંગઠન (હૂ)એ આ સ્થિતિને `જાહેર આરોગ્ય
કટોકટી' ઘોષિત કરી હતી. જો કે, હાલ તુરત તેને
`મહામારી'ની શ્રેણીમાં નહીં રખાય, તેવું
`હૂ'એ સ્પષ્ટ કર્યું હતું. જે ભારતીય નાગરિક
કોંગો, યુગાંડા, દક્ષિણ સુદાનમાં રહે છે અથવા એ દેશોની યાત્રાએ ગયા છે, તેમને સ્થાનિક
આરોગ્ય વિભાગોના દિશાનિર્દેશોનું કડકપણે પાલન કરવા ભારત સરકારની એડવાઝરીમાં જણાવાયું
છે. ભારતીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે, આજની તારીખે તો ભારતમાં બંડી બુગ્યો સ્ટ્રેનથી
સંક્રમિત ઈબોલાનો કોઈ કેસ સામે આવ્યો નથી. જો કે, તેમ છતાં મંત્રાલય આંતરરાષ્ટ્રીય
સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ભારત સરકારે પોતાના નાગરિકોને અફવાઓથી બચવા પણ અપીલ
કરી હતી. ાત્ર સત્તાવાર જાણકારી પર જ ભરોસો કરો અને યાત્રાથી પહેલાં આરોગ્ય સંબંધિત
સલાહો પાળો, તેવો અનુરોધ કરાયો છે.