નવી દિલ્હી, તા. 24 : ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના
વિદેશમંત્રી માર્કો રૂબિયો સમક્ષ ભારતના વિદેશ
મંત્રી એસ. જયશંકરે ભારતના કાયદેસર પ્રવાસીઓને અમેરિકી વિઝા મેળવવામાં પડતી મુશ્કેલીઓનો
મુદ્દો ઉઠાવ્યો હતો, જવાબમાં રૂબિયોએ કહ્યું હતું કે, અમેરિકી અર્થવ્યવસ્થામાં ભારતીયોના
યોગદાનને સ્વીકારું છું, પણ અમારી વિઝા સિસ્ટમમાં આધુનિકીકરણ માત્ર ભારતીયોને નિશાન
બનાવીને કરવવામાં આવ્યું નથી. બંને નેતા વચ્ચે સંરક્ષણ, ઊર્જા સહયોગ અને વ્યાપાર સહિતના
મુદ્દે વાતચીત થઈ હતી અને રૂબિયોએ ટૂંક સમયમાં બંને દેશ માટે લાભદાયક અને ટકાઉ ટ્રેડ
એગ્રીમેન્ટનો સંકેત આપ્યો હતો.જયશંકર અને રૂબિયો વચ્ચે આજે સવારે દ્વિપક્ષી બેઠક યોજાઈ હતી, જેમાં પશ્ચિમ એશિયાના
તનાવ, દ્વિપક્ષી 10 વર્ષીય
સંરક્ષણ સમજૂતીને અપડેટ કરવા અને વ્યાપાર સમજૂતી સહિતના મુદ્દા ચર્ચાયા હતા, ત્યાર
બાદ બંનેએ એઁક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. રૂબિયોએ જણાવ્યું હતું કે, અમેરિકા
અને ઈરાન વચ્ચે થોડા કલાકમાં જ સમજૂતી થઈ જવાની પૂરી શક્યતા છે. તેમણે કહ્યું હતું
કે, અમે બંને દેશને ફાયદો થાય એવી ટકાઉ વ્યાપાર સમજૂતીમાં અત્યંત પ્રગતિ કરી છે. જયશંકરે વિઝા મેળવવામાં ભારતીયોને પડતી મુશ્કેલીનો
મહત્ત્વનો મુદ્દો ઉઠાવતાં રૂબિયોએ કહ્યું હતું કે, ભારતીય કંપનીઓએ અમેરિકામાં 20 અબજ ડોલરનું રોકાણ કર્યું
છે અને અમે ઈચ્છીએ છીએ કે, આ આંકડો વધતો રહે. પણ અમારી વિઝા સિસ્ટમમાં સુધારાની જરૂર
હતી. છેલ્લા કેટલાક વર્ષમાં અમેરિકામાં લગભગ બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી ગયા છે. વિઝા
સિસ્ટમમાં બદલાવ ભારતીયોને નિશાનમાં રાખીને કરાયા નથી.તાજેતરમાં પાકિસ્તાન અને ચીન
સાથે અમેરિકાના સુધરતા સંબંધો અંગેના એક સવાલના જવાબમાં રૂબિયોએ જણાવ્યું હતું કે,
અમારા સંબંધો છે અને અમે ટેકનિકલ સ્તરે કામ કરીએ છીએ પણ અમારા કોઈ પણ દેશના સંબંધ ભારત
સાથેના વ્યૂહાત્મક સંબંધોની કિંમતે હોતા નથી. જો કે, લશ્કરી બાબતો અંગેના સવાલનો હું
જવાબ આપીશ નહીં. ભારત અમારા સૌથી વિશ્વસનીય ભાગીદાર પૈકીનું એક છે. અમેરિકામાં ભારતીયો
વિરુદ્ધ વંશીય ટિપ્પણી અંગેના સવાલના જવાબમાં રૂબિયોએ કહ્યું હતું કે, દરેક દેશમાં
અમુક મૂર્ખ માણસો હોય છે.