• સોમવાર, 25 મે, 2026

હોર્મુઝ ખોલવા ઇરાનની તૈયારી, પણ યુરેનિયમ પર અડગ

વોશિંગ્ટન/તેહરાન, તા. 24 : મધ્ય-પૂર્વમાં યુદ્ધપ્રેરિત તાણથી દુનિયભરમાં ઉચાટ વચ્ચે રવિવારે ઇરાન અને અમેરિકા શાંતિ સમજૂતીની નજીક પહોંચી ગયા હોવાના રાહતરૂપ અહેવાલ મળ્યા હતા. જો કે, હોર્મુઝ અને યુરેનિયમના બે બેહદ મહત્ત્વના મુદ્દે ઇરાને આજે બતાવેલાં વલણ પરથી શાંતિ સમજૂતીનો પંથ હજુ પણ સાવ સરળ નથી, તેવું સમજાઇ રહ્યું છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે, ઇરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે તૈયાર છે. જો કે, સંવર્ધિત યુરેનિયમના મામલે હજુ મડાગાંઠ જારી છે. ઇરાનના એક વરિષ્ઠ અધિકારીએ કહી દીધું હતું કે, અમે યુરેનિયમનો ભંડાર સોંપવા તૈયાર નથી. દરમ્યાન ઇરાને આજે ટ્રમ્પના દાવાને નકારી દેતાં કહ્યું હતું કે, અમે માત્ર હોર્મુઝમાંથી યુદ્ધ પહેલાં પસાર થતાં હતાં તેટલી સંખ્યામાં જહાજોને આગળ વધવાની છૂટ આપવા સહમત થયા છીએ. અમારી આ સીમિત સહમતી છે. તેનો એવો અર્થ કોઇ રીતે નથી થતો કે, અમે રણનીતિક જળમાર્ગને સાવ ખુલ્લો મૂકી દઇશું. જહાજો પસાર થવાનો સમય, રૂટ, પરમિટ સહિત બાબતો ઇરાનના જ નિયંત્રણ હેઠળ રહેશે. બીજીતરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને કોઇ પણ જાતની ઉતાવળ નહીં કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્રમ્પે એવું પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, નવી સમજૂતી પણ પૂર્ણપણે સહમતી અને સત્તાવાર રીતે તેના પર હસ્તાક્ષર નહીં થઇ જાય ત્યાં સુધી ઇરાન પરનું અમેરિકી ઘેરાબંદી અભિયાન પૂર્ણપણે જારી રહેશે. ઇરાનને કોઇ પણ સંજોગોમાં પરમાણુ બોમ્બ કે હથિયાર વિકસિત કરવાનો કે હાંસિલ કરવાની અનુમતી નહીં અપાય. ઇરાનના સાંસદ મહમૂદ નબાવિયને સ્પષ્ટ કહી દીધું હતું કે, હોર્મુઝ પર ઇરાનની સંપ્રભુતા, યુદ્ધનું વળતર, તમામ પ્રતિબંધો હટાવવા, સુરક્ષા ગેરંટી સહિત શરતો વિના અમેરિકા સાથે સમજૂતી મંજૂર નથી.અગાઉ, મોટું એલાન કરતાં ઇરાને કહ્યું હતું કે, 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સંખ્યા યુદ્ધથી પહેલાં હતી તેટલી થઇ જઇ શકે છે. આ એલાન દુનિયાને રાહત આપનારું મનાય છે. હોર્મુઝનો મહત્ત્વનો જળમાર્ગ ખૂલી જાય તો તે ભારત માટે મોટી રાહતની વાત હશે. કારણ કે ભારત પોતાની જરૂરતનું 80 ટકા ક્રૂડતેલ આયાત કરે છે, જેનો એક મોટો હિસ્સો હોર્મુઝ પરથી આવે છે. હોર્મુઝ જળમાર્ગ આખી દુનિયાની જીવાદોરી છે. આ માર્ગ યુદ્ધનાં કારણે બંધ થતાં વિશ્વભરમાં ઊર્જાસંકટ સર્જાયું અને અર્થતંત્રો પર અસર પડી. ભારત સહિત દુનિયાભરમાં ક્રૂડતેલની સતત વધતી કિંમતોની અસર થવા માંડી અને ભારતે પણ ઘરેલુ બજારમાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીના ભાવોમાં વધારો કર્યો છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે પણ કહ્યું હતું કે, અમેરિકા અને ઇરાન વચ્ચે સમજૂતી થઇ જાય અને હોર્મુઝ ખૂલી જાય તો દુનિયાના દેશોને શાંતિ થાય. 

Panchang

dd