• શુક્રવાર, 15 મે, 2026

તામિલનાડુમાં સત્તા માટે સંગ્રામ જામ્યો

ચેન્નાઈ, તા.6 : તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં નવી સરકારનો મામલો ઘોંચમાં પડતો જણાય છે. અસ્પષ્ટ જનાદેશમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉપસેલા અભિનેતા વિજયના ટીવીકેએ કોંગ્રેસનો ટેકો મેળવી સરકાર રચવાનો દાવો તો રજૂ કર્યો, પરંતુ રાજ્યપાલે બહુમતી માટે જરૂરી એવા 118 ધારાસભ્યની સૂચિ સોંપવાનો નિર્દેશ કરતાં આવતીકાલે વિજયના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા સામે અનિશ્ચિતતા સર્જાઈ છે. દરમ્યાન, અન્ય એક હેવાલ મુજબ વિજયને સત્તાથી દૂર રાખવા ધૂર વિરોધી ડીએમકે અને એઆઈડીએમકે હાથ મિલાવે તેવી અંદરખાને ચાલતી તૈયારીના દાવાએ સત્તાના સંગ્રામને નવો વળાંક આપ્યો છે. આ પહેલાં તમિલગા વેત્રી કડગમ (ટીવીકે)એ સરકાર બનાવવાની કવાયત શરૂ કરી હતી. ટીવીકેના પ્રમુખ વિજયે આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને રાજભવનમાં મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને તેમને પક્ષના ધારાસભ્યોની યાદી સોંપી હતી. જો કે, રાજ્યપાલે વિજયને 112 ધારાસભ્યનો જ ટેકો હોવાનું જણાવી 118 ધારાસભ્યનું સમર્થન મેળવી ફરી આવવાનું કહ્યું હતું, જેના પર વિજયે થોડો સમય માગ્યો હતો. દરમ્યાન, અન્ય એક પક્ષ વીસીકેએ પણ ડીએમકે સાથે છેડો ફાડી ટીવીકેનાં સમર્થનનું મન બનાવ્યું હતું, પરંતુ ડીએમકે-એઆઈડીએમકે વચ્ચે સંભવિત જોડાણની તૈયારી વચ્ચે વીસીકેએ વિજયને સમર્થનની જાહેરાત ટાળી હતી. વિજયનો પક્ષ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. જોકે બહુમતીથી તે થોડા કદમ દૂર રહી હતી. દરમ્યાન, કોંગ્રેસે ડીએમકે સાથે છેડો ફાડીને વિજયના પક્ષને શરતી સમર્થનની જાહેરાત કરી હતી. 

Panchang

dd