• શુક્રવાર, 15 મે, 2026

હાશ..! ઇરાન યુદ્ધ 48 કલાકમાં ખતમ થશે !

નવી દિલ્હી, તા. 6 : દુનિયાભરમાં ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા સમાચારમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ 48 કલાકમાં ખતમ થઇ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની મદદથી 14 શરતોની સમજૂતી તૈયાર કરાઇ હોવાનું જાણવા મળે છે. અમેરિકા ઇરાનની સંપત્તિઓ પાછી આપશે. બદલામાં ઇરાન પરમાણુ કાર્યક્રમ રોકવા સાથે હોર્મુઝ ખોલશે, તેવા વાવડ મળતાં જ બુધવારે ક્રૂડ તેલની કિંમત છ ટકાથી વધુ ઘટીને 103 ડોલર થઇ ગઇ હતી. ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)એ કહ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ પરથી હવે જહાજોની અવરજવર સુરક્ષિત થઇ શકશે. અગાઉ, ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, સમજૂતીની વાતો માની લેશે તો લડાઇ ખતમ થઇ જશે અને હોર્મુઝ બધા દેશો માટે ખોલી દેવાશે. જો કે, ઇરાન નહીં માને તો અમેરિકા ફરીથી હુમલા શરૂ કરી દેશે અને આ વખતે હુમલા પહેલાંથી ઘણા ઘાતક અને મોટા હશે. નવી 14 મુદ્દાની સમજૂતીમાં સૌથી પહેલાં યુદ્ધ ખતમ કરવાની ઘોષણા થશે, 30 દિવસ બન્ને દેશમાં વિસ્તૃત વાતચીત થશે, જેમાં હોર્મુઝ, અણુ કાર્યક્રમ, અમેરિકી પ્રતિબંધોમાં ઢીલ જેવા મુદ્દા સામેલ કરાશે., સૌથી મોટો વિવાદ પરમાણુ કાર્યક્રમ રોકવાના સમયગાળા પર છે. ઇરાન પાંચ વર્ષનો પ્રસ્તાવ આપી ચૂકયું છે, પરંતુ અમેરિકા 20 વર્ષ ઇચ્છતું હતું. વચ્ચેનો માર્ગ કાઢવાની કોશિશ રૂપ 12થી 15 વર્ષના ગાળા પર ચર્ચા જારી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે વાતચીત માટે ઇસ્લામાબાદ અને જિનીવા જેવાં મોટાં શહેરો પર વિચાર ચાલી રહ્યો છે. કુલ્લ 14 શરતોમાં અમેરિકા અને ઇરાન બન્ને દ્વારા હોર્મુઝ પર મુકાયેલી પાબંદી હટાવવી, અમેરિકી પ્રતિબંધો દૂર થવા, ઇરાન દ્વારા પરમાણુ હથિયારો નહીં બનાવવાનું વચન જેવી શરતો સામેલ છે. અમેરિકી વેબસાઇટ `એક્સિયોસ'ના અહેવાલ અનુસાર, 14 શરતોની સમજૂતી અમેરિકાએ તૈયાર કરી છે. વાતચીત આગળ વધારવામાં અમેરિકી દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની મોટી ભૂમિકા છે. 

Panchang

dd