નવી દિલ્હી, તા. 6 : પંજાબમાં
મંગળવારની રાતે જલંધર અને અમૃતસરમાં થયેલા બે શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટથી ગભરાટ ફેલાઈ
ગયો હતો. આ બન્ને ધડાકાની પ્રાથમિક તપાસ બાદ અમૃતસરમાં પત્રકાર પરિષદમાં પંજાબના ડીજીપી
ગૌરવ યાદવે મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે, બન્ને સ્થાને આઈઈડીનો ઉપયોગ કરીને વિસ્ફોટ કરાયા હતાં. તેમણે કહ્યું હતું કે,
ટાઈમર કે રિમોટ કંટ્રોલથી આ વિસ્ફોટ કરવામાં આવ્યા હોવાની આશંકા છે.
આટલું જ નહીં તેમણે આ કરતૂત પાછળ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈએસઆઈની ભૂમિકા
હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ઓપરેશન
સિંદૂરની વરસીના હિસાબે આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે. આ ધડાકાની ઘટનાને
રાજકીય રંગ લાગી ગયો હતો. મુખ્યમંત્રી ભગવંત માને આરોપ મૂકતાં કહ્યું હતું કે, આ
ભાજપે રચેલું ષડયંત્ર છે. ભાજપ આવી હરકતો બંધ કરે. તેમણે એ યાદ અપાવ્યું કે,
પ. બંગાળમાં જીત્યા પછી ભાજપના
નેતાઓએ `હવે પંજાબનો વારો' એલાન કર્યું હતું. ભાજપ ગ્રાઉન્ડ ઊભું કરી રહ્યો
છે એવો માને આક્ષેપ કર્યો હતો. પંજાબના ડીજીપીએ કહ્યું હતું કે, આ હુમલા પાક.ની પરોક્ષ લડાઈનો હિસ્સો છે. જેના થકી સરહદ પારથી પંજાબમાં માહોલ
બગાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. દરમિયાન
જલંધર અને અમૃતસરમાં થયેલા આ વિસ્ફોટની જવાબદારી લેનાર કથિત ખાલિસ્તાન લિબરેશન આર્મી
(કેએલએ) મુદ્દે પણ પોલીસે સંશય વ્યક્ત કર્યો હતો. ડીજીપીએ કહ્યું હતું કે, આવા નામનું કોઈ નક્કર સંગઠન અસ્તિત્વમાં નથી અને આવા નામોનો ઉપયોગ કરીને જ
સોશિયલ મીડિયામાં ભ્રમ ફેલાવાતો હોય છે. જો કે, તેમણે એવું પણ
ઉમેર્યું હતું કે, હાલ આ બન્ને ઘટના વચ્ચે કોઈ સીધી કડી મળી નથી.
તપાસ એજન્સીઓ હુમલાખોરોનાં રૂટ અને નેટવર્કની તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે,
મંગળવારની રાતે 8.1પ કલાકના સુમારે જલંધરમાં બીએસએફનાં વડામથક બહાર એક સ્કૂટીમાં
ધડાકો થયો હતો અને તે એટલો તીવ્ર હતો કે પરિસરની દીવાલો પણ હચમચી ગઈ હતી. જો કે, આ ધડાકામાં જાનમાલની કોઈ હાનિ થઈ નહોતી. ત્યારબાદ
10.પ0 આસપાસ અમૃતસરમાં ભારત-પાક. સીમા નજીક ખાસા
ક્ષેત્રમાં પણ બીએસએફની છાવણી પાસે જોરદાર ધડાકો થયો હતો. અહીં બે નકાબધારી હુમલાખોરોએ
બાઈક ઉપરથી નીકળીને વિસ્ફોટકને હવામાં ઉછાળીને બીએસએફનાં મથક તરફ ફેંક્યા હોવાનું કહેવાય
છે. જલંધરમાં જે સ્કૂટીમાં ધડાકો થયો તે ગઢા
વિસ્તારના રહેવાસી ગુરપ્રીત સિંહનું હતું અને તેની અટકાયત કરી લેવામાં આવી છે. ગુરપ્રીત
એક પૂર્વ બીએસએફ જવાનનો પુત્ર છે. તે ફ્લિપકાર્ટમાં કામ કરે છે. તે બીએસએફનાં મુખ્યાલયમાં
પાર્સલ આપવા ગયો હતો અને હેલ્મેટ ન પહેરી હોવાનાં કારણે તેને અંદર જવા દેવાયો ન હતો, જેને પગલે તેણે સ્કૂટી દૂર પાર્ક કર્યું અને
પછી અંદર પાર્સલ આપવા ગયો હતો. આ દરમિયાન સ્કૂટીમાં વિસ્ફોટ થયો હતો.