કોલકાતા, તા. 5 (પીટીઆઇ) : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી
સુપ્રીમો મમતા બેનર્જીએ મંગળવારે વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની મોટી હાર બાદ પણ
રાજીનામું આપવાની ના પાડી દીધી હતી ! ઐતિહાસિક ઘટનાક્રમમાં પહેલીવાર કોઈ હારેલા મુખ્યમંત્રીએ
પદ છોડવાની ના પાડી છે. તેમણે દાવો કર્યો હતો કે, આ ચુકાદો વાસ્તવિક જનાદેશ નથી,
પરંતુ એક ષડયંત્રનું પરિણામ છે.
ચૂંટણીમાં ટીએમસીનો મુકાબલો ભાજપ સામે નહીં, પરંતુ ચૂંટણીપંચ
સામે હતો, જે `ભાજપ માટે'
કામ કરે છે. પંચ ખરેખરું વિલન છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ આ નિવેદનને
ચિંતાજનક ગણાવીને કહ્યું હતું કે, આવું બયાન બંધારણની ભાવનાથી
વિપરીત છે. ભારતીય લોકતંત્રમાં કોઇ નેતા અપરિહાર્ય નથી. `મારા રાજીનામાંનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે અમે જાહેર જનાદેશથી
નહીં, પરંતુ ષડયંત્રથી હાર્યા હતા... હું હારી નથી, હું લોકભવન જઈશ નહીં. તેઓ બંધારણીય ધોરણો મુજબ કાર્યવાહી કરી શકે છે,
એમ તેમણે અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. બેનર્જીએ મતગણતરી
પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો હતો કે,
લગભગ 100 બેઠક
પરનો જનાદેશ `લૂંટાયો' હતો અને તેમના પક્ષના મનોબળને નીચું
કરવા માટે ઇરાદાપૂર્વક ગણતરી ધીમી કરવામાં આવી હતી. હું હવે આઝાદ છું. ઇન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવા
કામ કરીશ. બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે, `ઇતિહાસનો એક કાળો અધ્યાય રચાયો છે', મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ
કુમાર પર લોકોના લોકશાહી અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. મમતાએ અગાઉ આક્ષેપ
કર્યો હતો કે, મને લાત મારવામાં આવી હતી. બેનર્જીએ ચૂંટણી બાદની
હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા
માટે 10 સભ્યોની તથ્ય શોધ સમિતિની રચનાની પણ જાહેરાત
કરી. તેમણે 2021માં મતદાન પછીની હિંસાના પાયાવિહોણા આરોપોને
ફગાવી દીધા. બેનર્જીએ કહ્યું કે, ચૂંટણીનાં પરિણામો બાદ વિપક્ષી ઇન્ડિયા બ્લોકના ઘણા નેતાઓએ
તેમની સાથે એકતા વ્યક્ત કરવા માટે સંપર્ક કર્યો
હતો. -
મુખ્યમંત્રી રાજીનામું
ન આપે તો શું થશે
? : જો કોઇ મુખ્યમંત્રી રાજીનામું ન આપે, તો રાજ્યપાલ પાસે ખાસ સત્તાઓ
છે. રાજ્યપાલ પહેલાં હારેલા મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી શકે છે અને ઇનકાર કરવા
પર તેઓ તાત્કાલિક વિધાનસભા ભંગ કરવાનો આદેશ જારી કરી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ
મુખ્યમંત્રીને બરતરફ કરી શકે છે. જો મુખ્યમંત્રી કોઇ કાર્યવાહી કરે છે અથવા કોઇ મોટી
કટોકટી ઊભી થાય છે, તો રાજ્યપાલ કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. રાજ્યોમાં
બંધારણીય તંત્રની નિષ્ફળતાના કિસ્સામાં આવું થાય છે. જો કે, પશ્ચિમ બંગાળના કિસ્સામાં ચૂંટણી
પરિણામો જાહેર થઇ ગયાં છે અને હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, રાજ્યમાં
કોણ સરકાર બનાવશે. દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસ કલકતા હાઇકોર્ટમાં ચૂંટણી અંગે અરજી સહિતના
કાયદાકીય વિકલ્પો પણ લઇ શકે છે. કલમ 164 હેઠળ રાજ્યપાલ પાસે નવા મુખ્યમંત્રીની નિમણૂક અને શપથ લેવાની સત્તા છે.